Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ટ્વિટર અને સરકાર વચ્ચેના વિવાદ વચ્ચે ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરનું રાજીનામું

ટ્વિટરે ધર્મેન્દ્ર ચતુરનું નામ પણ હટાવીને કંપનીનું નામ રાખી દીધું

નવી દિલ્હી : ટ્વિટર ઈન્ડીયાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રવિવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હજુ થોડા સમય પહેલા જ તેમની નિયુક્તી થઈ હતી.

ટ્વિટર આઈટીના નવા નિયમોના પાલન માટે ફરિયાદ અધિકારી તરીકે ધર્મેન્દ્ર ચતુરની નિયુક્તી કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સોશિયલ મીડિયા કંપની ટ્ટિટરે તેની વેબસાઈટ પરથી પણ ચતુરનું નામ હટાવી દીધું છે.જોકે દેશના નવા આઈટી નિયમો હેઠળ આવું કરવું જરુરી છે.

ટ્વિટરે આ અંગે કોઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ફરિયાદ અધિકારીનું રાજીનામું એવે સમયે આવ્યું છે કે જ્યારે નવા આઈટી નિયમો અંગે ટ્વિટર અને ભારત સરકારની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. નવા નિયમોનું પાલન ન કરવા બદલ કેન્દ્ર સરકારે ટ્વિટરની અનેક વાર ઝાટકણી પણ કાઢી છે.

ઉલ્લેખનીય છે કે 25 મે ના રોજ લાગુ થયેલા નવા આઈટી નિયમો અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ અથવા પીડિતાની ફરિયાદનું નિવારણ લાવવા માટે એક ફરિયાદ તંત્રની રચના કરવી પડતી હોય છે. નિયમમાં કહેવાયું કે 50 લાખથી વધારે યુઝર ધાવતા તમામ સોશિયલ મીડિયા સંસ્થાઓએ ફરિયાદ અધિકારીની નિયુક્તી કરવાની હોય છે અને આવા અધિકારીઓના નામ તથા વિગતો પણ સરકારને આપવાની હોય છે.

  ટ્વિટરે 5 જુનના દિવસે સરકાર દ્વારા જારી નોટીસના જવાબમાં કહ્યું હતું કે નવા આઈટીના નિયમોનું પાલન કરવાનો તેનો ઈરાદો છે અને ચીફ ફરિયાદ અધિકારીની વિગતો શેર કરશે. પરંતુ હવે ટ્વિટરે ધર્મેન્દ્ર ચતુરનું નામ પણ હટાવીને કંપનીનું નામ રાખી દીધું છે.

(12:00 am IST)