Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

હવે રસીકરણને મળશે વેગ :10 કરોડથી વધુ કોવીશીલ્ડના ડોઝ તૈયાર : સિરમ ઈન્સ્ટીટ્યુટે વેક્સિનનું વધાર્યું ઉત્પાદન

કંપનીએ કોવિશિલ્ડ રસીની 45 બેચ કસૌલીની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરીમાં મોકલ્યા જેમાં 10.80 કરોડ ડોઝ શામેલ

નવી દિલ્હી : સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ પોતાનું વચન પૂરું કરતાં જૂન દરમિયાન અત્યાર સુધીમાં કોવિશિલ્ડ રસીના 10 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કર્યું છે. કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભારતમાં રસીકરણની ગતિ વધારી દેવામાં આવી છે.

21 જૂનથી શરૂ થયેલ દેશવ્યાપી મફત કોવિડ-19 રસીકરણ અભિયાન  પછી છેલ્લા 6 દિવસ દરમિયાન ભારતમાં દરરોજ સરેરાશ 69 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોવિડ રસીના 32.17 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

પુણેના સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકતા ભારતના ડ્રગ નિયામકે જણાવ્યું હતું કે કંપનીએ કોવિશિલ્ડ રસીની 45 બેચ કસૌલીની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરીમાં મોકલ્યા છે, જેમાં 10.80 કરોડ ડોઝ શામેલ છે. જેને આ જૂનમાં જારી કરવામાં આવશે.

 

કંપનીના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક, પ્રકાશકુમાર સિંહે મે મહિનામાં ગૃહપ્રધાન અમિતભાઈ  શાહને જૂન દરમિયાન રસીના 10 કરોડથી વધુ ડોઝ આપવાની ખાતરી આપી હતી.

 આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રસીના 31.51 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલમાં રસીના 1.15 કરોડથી વધુ ડોઝ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસની 64,25,893 રસી આપવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં રસીકરણની કુલ સંખ્યા 32,17,60,077 થઈ ગઈ છે

(11:43 pm IST)