Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પ્રાઈવેટ કંપનીઓને રોકેટ બનાવવાની મંજૂરી મળશે

ઘણી ખાનગી કંપનીઓને ફાયદો થશે : કંપનીઓ દેશમાં કે દેશની બહાર આ કામ કરી શકશે તેના માટે તેણે પહેલા સરકારની મંજૂરી લેવી પડશે

 નવી દિલ્હી,તા.૨૭ :સરકાર પ્રાઈવેટ કંપનીઓને રોકેટ બનાવવા અને રોકેટ લોન્ચ સાઈટ ઓપરેટ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓ દેશમાં કે દેશની બહાર આ કામ કરી શકશે. તેના માટે તેણે પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. આ રીતે દેશમાં કે વિદેશમાં રોકેટ લોન્ચ (ઓર્બિટલ કે સબ-ઓર્બિટલ) કરતા પહેલા તેણે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરની મંજૂરી લેવાની રહેશે. સરકારના આ પગલાંથી દેશમાં રોકેટ બનાવતી કે રોકેટ લોન્ચિંગ સાથે સંબંધિત પ્રાઈવેટ કંપનીઓને ફાયદો થશે. રોકેટ બનાવવા કે તેના લોન્ચિંગ સાથે સંલગ્ન સેવાઓ આપતી અગ્રણી કંપનીઓમાં ગોદરેજ એરોસ્પેસ, લાર્સન એન્ડ ટર્બો, અગ્નિકુલ કોસમોસ, બેલાટિક્સ એરોસ્પેસ, ધ્રુવ સ્પેસ અને સ્કાયરૂટ એરોસ્પેસ સામેલ છે.

     નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ભારત સરકારનું સ્વતંત્ર યુનિટ છે. તે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. આ ડિપાર્ટમેન્ટે ડ્રાફ્ટ નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસી-૨૦૨૦ રજૂ કરી છે. તેમાં કહેવાયું છે કે, રોકેટને ખાનગી કે લીઝ પર લેવાયેલી સાઈટ પરથી લોન્ચ કરી શકાય છે. કંપની તેને મોબાઈલ પ્લેટફોર્મ પરથી પણ લોન્ચ કરી શકે છે. રોકેટ લોન્ચ વ્હીકલ સાથે સંલગ્ન સેવાઓ આપતી પ્રાઈવેટ કંપની અગ્નિકુલ કોસમોસના સહ-સંસ્થાપક અને સીઈઓ શ્રીનાથ રવિચંદ્રને કહ્યું કે, આ ડ્રાફ્ટ પોલિસીમાં રોકેટ લોન્ચિંગ, લોન્ચપેડ, રીઈન્ટ્રી ઓફ સ્પેસ ઓબ્જેક્ટ સહિત ઘણી બાબતો અંગે વિસ્તારથી ઉલ્લેખ છે.' અગ્નિકુલ એક નાનુ રોકેટ બનાવી રહી છે. તેનો ઉપયોગ એક નાના સેટેલાઈટને સ્પેસમાં મોકલવા માટે કરાશે. રોકેટ બનાવતી બીજી કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સંસ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદને કહ્યું કે, 'આ પોલિસી ઘણી સીરી રીતે બનાવાયેલી છે. તે અમને વિદેશમાં લોન્ચ કરવાની કે પોતાની લોન્ચ સાઈટ બનાવવાની મંજૂરી આપે છે.

(9:09 am IST)