Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

૬૦ ટકા સુધી વધશે નેચરલ ગેસની કિંમતો : અહેવાલ

LPGની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે : આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાના કારણે તેની અસર ઓઈલ કંપનીઓના રાજસ્વ પર જોવા મળી રહી છે

નવી દિલ્હી,તા.૨૭ : એલપીજી ગેસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જલદી એલપીજી ગેસના ભાવમાં  ભારે વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ઘરેલુ ગેસના ભાવ ઉપર પણ જોવા મળી શકે છે. સરકાર એક ઓક્ટોબરે ઘરેલુ ગેસના નવા ભાવ જાહેર કરવાની છે.  ભારતમાં તેલ-ગેસ ખનન ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનનું કહેવું છે કે આ વખતે પ્રાકૃતિક ગેસના ભાવમાં લગભગ ૬૦ ટકાનો વધારો લગભગ નક્કી છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાના કારણે તેની અસર ઓઈલ કંપનીઓના રાજસ્વ ઉપર પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા એલપીજી ગેસ પર મળનારી સબસિડીને પણ થોડી દિવસ પહેલા સમાપ્ત કરવામાં આવી છે.

    એલપીજી ગેસ પર મળનારી સરકારી સબસિડીનું વનહ પણ ઓઈલ કંપનીઓએ જ કરવું પડતું હતું. ઓએનજીસીના સીએમડી સુભાષકુમારે કંપનીના વાર્ષિક નાણાકીય પરિણામોની જાણકારી આપતા કહ્યું કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧માં ઓઈલ કંપનીએ ૫૮.૦૫ ડોલર પ્રતિ બેરલના દરથી ક્રૂડ ઓઈલનું વેચાણ કર્યું છે. થોડા દિવસ પહેલા ગ્રાહકોને મળનારી સબસિડી સમાપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં કંપનીને ૬૭૩૪ કરોડ રૂપિયાનો નફો થયો છે. આ ઉપરાંત કંપનીના સીએમડી સુભાષકુમારે એ પણ જણાવ્યું કે કંપની આ વર્ષે ૨૯,૫૦૦ કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા જઈ રહી છે.

(12:00 am IST)