Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મહાગઠબંધન નિષ્ફળ જાય તો લોકસભામાં કોઇને સ્પષ્ટ બહુમતિ નહિ ?

રાજકીય પંડિતોનું અવલોકનઃ ચૂંટણી ટાણે કોઇ મુદ્દો જમાવટ ન કરે તો એક પક્ષને સ્પષ્ટ બહુમતિ મળવી મુશ્કેલઃ ત્રિશંકુ લોકસભાની સંભાવના

રાજકોટ તા. ર૮ : દેશમાં દસ મહિના પછી આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ પ્રેરિત મહાગઠબંધન સર્જવાની તૈયારી ચાલી રહી છે. બધા વિપક્ષો એક થઇને લડાઇ કરે તો ભાજપ સામે મોટો પડકાર સર્જાય શકે તેમ છે. વિપક્ષોએ યુપીની પેટાચૂંટણી અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી  દર્શાવેલી એકતા ટકી શકે  છે કે કેમ ? તે મોટો સવાલ છે. ગઠબંધન સ્વાર્થ બંધન હોવાનો પ્રચાર ભાજપે શરૂ કરી દીધો છે જો મહાગઠબંધન ધારણા મુજબ ન થઇ શકે તો ભાજપ વિરોધી મતોના ધ્રુવીકરણને રોકી શકાશે નહિ. મહાગઠનબંધનની નિષ્ફળતા ભાજપનું નુકશાન ઘટાડશે છતા વર્તમાન સંજોગો મુજબ મહાગઠબંધનની નિષ્ફળતા ત્રિશંકુ લોકસભાની શકયતા જન્માવે તેવું કેટલાક રાજકીય સમીક્ષકોનું માનવુ છે. ચૂંટણી વખતનું વાતાવરણ નિર્ણાયક બનતુ હોય છે. અત્યારના વાતાવરણ મુજબ ભાજપની સામે કોંગી સહિતના વિપક્ષો અલગ-અલગ લડે તો સંસદમાં કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.

ચૂંટણી પૂર્વના દિવસોમાં મતદારોમાં કોઇ મુદ્દો પકડાઇ જાય તો તે કોઇ પક્ષ તરફી કે વિરોધી જુવાળ સર્જવામાં નિમિત બની શકે છે. વિપક્ષી એકતા થવાના અનેક કારણો છે તથા ન થવાના પણ એકથી વધુ કારણો છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદી હોય તે સ્વભાવિક છે. કોંગ્રેસ વડાપ્રધાન તરીકે શ્રી રાહુલ ગાંધીને જોવા માંગે છે જો અન્ય પક્ષો તેમનું નેતૃત્વ સ્વીકારે નહિ તો મહાગઠબંધનના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાગી શકે છે.

ર૦૧૪ અને ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીના વાતાવરણમાં ધરખમ ફેરફાર છે અનેક સમીકરણો ફરી ગયા છે. ભાજપે ગયા વખતે આકર્ષક વચનો આપી મત મેળવેલા. આ વખતે કામગીરીના આધારે મત માંગવાના છે. મતદારો પાસે પરિવર્તન અને પુનરાવર્તન તે બન્ને વિકલ્પો છે જો ચૂંટણી વખતે કોઇ જુવાળ ઉભો ન થાય અને વિપક્ષો આવશ્યક એકતા ન બતાવી શકે તો દરેક રાજયના પરિણામમાં અલગ-અલગ સૂર નીકળી શકે છે. અત્યારના સંજોગો જળવાઇ રહે તો કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળવી મુશ્કેલ જણાય છે.

એક નઝર ઇધર ભી

બે નેતા સામસામે ગાડી (કાર) ચલાવીને આવી રહ્યા હતા. અને અકસ્માત થયો. પહેલા નેતાએ કહ્યું ''મેં હેડ લાઇટ બતાવીને તમને સાઇડમાં જવાનું કહ્યું હતું.''

બીજા નેતાએ જવાબ આપ્યો '''મૅ વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી!'

મહાગઠબંધનમાં પણ આવુ  જ થશે?

(3:53 pm IST)