Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

૨૧ મહિના બાદ પહેલી વખત સામે આવ્‍યો સર્જિકલ સ્‍ટ્રાઇકનો વીડિયો

આ રીતે જવાનોએ ઉઠાવી દીધા'તા બંકરો : બીછાવી દીધી'તી લાશો

શ્રીનગર તા. ૨૮ : જમ્‍મુ-કાશ્‍મીરમાં ઉરી કેમ્‍પ પર ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા બાદ પીઓકેમાં આર્મીએ કરેલી સર્જિકલ સ્‍ટ્રાઈકની પહેલી તસવીર સામે આવી છે. ૧૮ સપ્‍ટેમ્‍બર ૨૦૧૬એ ઉરી સેન્‍ય કેમ્‍પ પર થયેલા આતંકવાદી હુમલાના ૧૧ દિવસ બાદ થયેલી આ સર્જિકલ સ્‍ટ્રાઈકમાં સેના અને પેરા ફોર્સિઝના જવાનોએ પાક અધિકૃત કાશ્‍મીરના ટેરર લોન્‍ચિંગ પેડ્‍સ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરી દેવાયા હતા અને ઓપરેશનમાં સામેલ બધા જવાનો સુરક્ષિત ભારતીય વિસ્‍તારમાં પાછા આવી ગયા હતા.

 

ટેરર લોન્‍ચ પેડ્‍સ પર થયેલી આ કાર્યવાહીના બીજા દિવેસ સેનાના તત્‍કાલિન ડાયરેક્‍ટર જનરલ ઓફ મિલેટ્રી ઓપરેશન્‍સ રણબીર સિંહ અને વિદેશ મંત્રાલયના તત્‍કાલિન પ્રવક્‍તા વિકાસ સ્‍વરૂપે દિલ્‍હીમાં આ ઓપરેશનની જાણકારી આપી હતી. જોકે, પાકિસ્‍તાને પોતાના વિસ્‍તારમાં ભારતીય જવાનોએ કોઈ પણ સ્‍ટ્રાઈક કરી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમના લગભગ ૨૧ મહિના બાદ હવે સર્જિકલ સ્‍ટ્રાઈકના પહેલા પુરાવા તરીકે એક એક્‍સક્‍લુઝિવ વીડિયો સામે આવ્‍યો છે. આ વીડિયોમાં આર્મીની કાર્યવાહીમાં ઘણા લોન્‍ચ પેડ્‍સને નષ્ટ થતા દેખાઈ રહ્યા છે. જોકે, હજુ સુધી વીડિયો સંબંધમાં આર્મી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું નથી.

પાક અધિકૃત કાશ્‍મીરમાં ટેરર કેમ્‍પ પર થયેલી કાર્યવાહી પહેલા આતંકવાદીઓ દ્વારા કાશ્‍મીરના બારામુલા સ્‍થિત ઉરી સૈન્‍ય કેમ્‍પ પર એક મોટો હુમલો કર્યો હતો. ૧૮ સપ્‍ટેમ્‍બરની સવારે ઉરીમાં થયેલા આ હુમલા દરમિયાન આર્મીના ૧૭ જવાન શહીદ થયા હતા, જયારે ૩ ઘાયલ સૈનિકો સારવાર દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા. આ હુમલા બાદ તત્‍કાલિન ડીજીએમઓ રણબીર સિંહે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી હતી. તેના થોડા દિવસ બાદ જ આ મોટી સૈન્‍ય કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં આ સર્જિકલ સ્‍ટ્રાઈક પહેલા પીએમ નરેન્‍દ્ર મોદી, તત્‍કાલિન સંરક્ષણમંત્રી મનોહર પાર્રિકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ડીજીએમઓ રણબીર સિંહએ લગભગ ૧૦ દિવસ સુધી આ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું હતું. આ દરમિયાન ભારતીય સેટેલાઈટના માધ્‍યમથી સેનાને આતંકવાદીઓના લોન્‍ચ પેડ્‍સનું લોકેશન બતાવાયું હતું. તે પછી ૨૯મી સપ્‍ટેમ્‍બરે અમાસની રાત્રે સેનાના જવાનોએ પાક અધિકૃત કાશ્‍મીરના આતંકવાદી લોન્‍ચ પેડ્‍સ પર સ્‍ટ્રાઈક કરી હતી.(૨૧.૭)

(11:42 am IST)