Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રોજ ટ્રમ્પની પૂજા કરતા આ ભાઇ હવે તેમનું મંદિર બનાવવા માગે છે

હૈદ્રાબાદ તા. ૨૮: અમેરિકન પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ અમેેરિકામાં જેટલા પ્રેમ, આદર, સત્કાર અને સન્માન નહીં મળતા હોય એટલાં તેલંગણના અંતરિયાળ ગામ નામે કોન્નેમાં એક યુવક આપે છે. ૩૧ વર્ષનો બુસા કૃષ્ણા પોતાને ડોનાલ્ડ ટ્રમ્પનો પરમ ભકત ગણાવે છે. તેના ઘરમાં મંદિરિયામાં બીજા કોઇ દેવી-દેવતા નહીં પણ ટ્રમ્પની તસવીર છે. તે રોજ આ તસવીરને કંકુ-ચોખા અને હળદરથી પજુ છે અને તાજાં ફુલો અર્પણ કરે છે. તે ખુલ્લેઆમ ટ્રમ્પને જ પોતાના ભગવાન ગણે છે. અને આ કંઇ આજકાલની વાત નથી. પાડોશીઓનું કહેવું છે કે જયારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે ઉમેદવારી નોંધાવી ત્યારથી એટલે કે લગભગ ત્રણ વર્ષથી તેના મગજ પર ટ્રમ્પનું ભુત સવાર થયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે થોડાક સમય પહેલાં અમેરિકન નેવીએ તેલંગણના એક સોફટવેર એન્જિનિયરને મારી નાખેલ એ પછીથી બુસા કૃષ્ણાના મગજ પર અસર થઇ ગઇ છે. તેનું કહેવું છે કે 'યુવકની હત્યાની ઘટનાથી મને બહુ દુઃખ થયું છે. અમેરિકન પ્રેસિડેન્ટ અને અમેરિકાના લોકોને આપણી તેમના પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યકત કરીશું તો જ ભારતીયોની ખરી આધ્યાત્મિક શકિતનો પરચો મળશે.'

આખું ગામ તેને હવે પાગલ કહે છે, પણ તેને અને પડી નથી. તેના મિત્રો તેને સાઇકોલોજિસ્ટને કન્સલ્ટ કરવાનું સુચવે છે, પણ બુસા કૃષ્ણાને એની કંઇ પડી નથી. ઊલટાનું ભાઇનું કહેવું છે કે મને આવું કહેનારા લોકોને સાઇકોલોજિસ્ટને બતાવવું જોઇએ. પાડોશીઓનું કહેવુ છે કે કૃષ્ણા બહાર જાય ત્યારે પણ ટ્રમ્પની તસવીર પોતાની સાથે લઇને ફરે છે. દીકરાનું આવું ગાંડપણ જોઇને તેના પેરેન્ટ્સ પણ કંટાળ્યા છે. રોજ ઝઘડા કરીને હવે તેઓ થાકયા છે અને ઘર છોડીને રિલેટિવને ત્યાં રહેવા જતા રહયા છે. એમ છતાં આ ભાઇનું ભુત ઊતર્યુ નથી. હજી તો તેની ઇચ્છા ટ્રમ્પનું ટેમ્પલ બનાવવાની છે. (૧.૩)

(10:38 am IST)