Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઓરિસ્સાના પ્રસિદ્ધ શ્રી જગન્નાથપુરી મંદિરના ગર્ભગૃહ પાસે રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદનો રસ્‍તો રોકી લેવાયોઃ તેમના પત્નીને સેવકોના જુથે ધક્કો માર્યો

નવી દિલ્હીઃ ઓરિસ્સામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથપુરી મંદિરમાં રાષ્‍ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ અને તેમના પત્ની સાથે અયોગ્‍ય વ્યવહાર થતા ભારે ચર્ચા જાગી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદ સાથે ઓરિસ્સાના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ પુરી મંદિરમાં 'ખરાબ વ્યવહાર'નો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ અને તેમની પત્ની આશરે ત્રણ મહિના પહેલા એટલે 18 માર્ચના રોજ મંદિરમાં દર્શન કરવા ગયા હતાં. પરંતુ આ ઘટનાનો ખુલાસો મંદિર તંત્રની બેઠકની મિનિટસ સામે આવ્યાં પછી થયો. પુરી જિલ્લા તંત્રે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.

મંદિરમાં સેવકોના એક જૂથે ગર્ભગૃહ પાસે રાષ્ટ્રપતિનો રસ્તો રોકી લીધો અને તેમની પત્નીને ધક્કો માર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવને આ ઘટના પર વાંધો ઉઠાવતા 19 માર્ચના રોજ પુરીના કલેકટર અરવિંદ અગ્રવાલે સેવકોની ખરાબ વર્તણૂક માટે નોટિસ આપી હતી. જે પછી બીજા દિવસે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને (SJTA) એક બેઠક બોલાવી હતી.

SJTAની બેઠકની મિનિટ્સ પ્રમાણે, 'જ્યારે રાષ્ટ્રપતિ પુરી જગન્નાથ મંદિરના સૌથી નીચેના ભાગમાં રત્ન સિંહાસનની પાસે પહોંચ્યાં, તો એક સેવકે તેમનો રસ્તો રોકી દીધો. જ્યારે તે અને તેમના પત્ની દર્શન કરી રહ્યાં હતાં ત્યારે કેટલાક સેવકોએ તેમને કોણી મારી હતી.'

આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુરેશ કુમારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવતાં કહ્યું કે, અમે એ નથી સમજી શકતાં કે જિલ્લા તંત્ર આવી સ્થિતિથી ભાગવામાં અસફળ કેમ રહી છે. અત્યાર સુધી સામાન્ય માણસોને સેવકો હેરાન કરતાં હતાં પરંતુ હવે એવું લાગે છે કે રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની સાથે પણ આવું ખરાબ વ્યવહાર કર્યું છે.

SJTAના મુખ્ય મેનેજર, આઈએએસ અધિકારી પ્રદીપ્ત કુમાર મહાપાત્રાએ સ્વિકાર કર્યું છે કે રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને મંદિરની અંદર અસુવિધા થઇ પરંતુ તેમણે આગળ કંઇ બોલવાની ના પાડી દીધી. તેમણે કહ્યું, 'અમારી કેટલાક દિવસો પહેલા મંદિર તંત્ર સમિતિને આ અંગે ચર્ચા થઇ હતી અને હાલ આ ઘટનાની જાણ થઇ રહી છે.'

રાજ્યસભા સાંસદ અને બીજેડી પ્રવક્તા પ્રતાપ કેશરી દેબે કહ્યું કે કલેક્ટરે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું, ' મંદિર તંત્ર પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે. જોકે ઘણીવાર પ્રયત્નો કરલા છતાંપણ જિલ્લાધિકારી અગ્રવાલ સાથે વાત નથી થઇ શકતી. આ ઘટનાના ત્રણ મહિના પછી પણ સુપ્રીમ કોર્ટે 8 જૂનના રોજ મંદિરના સેવકો પર ઘણી કડક ટિપ્પણી કરી છે.'

(8:40 am IST)