Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવા માગ

હિંદુત્વના વિચારક વીર સાવરકરની જન્મ જયંતી : એરપોર્ટનું નામ બદલીને વીર સાવરકર કરવાની માગણી મોદી સહિતના નેતાઓએ સાવરકરને શ્રધ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, તા.૨૮ : આજે હિંદુત્વના વિચારક વીર સાવરકરની જન્મ જયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ગૌરવ ગોયલે એવી માગણી કરી હતી કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને વીર સાવરકર પરથી કરી દેવામાં આવે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, મા ભારતીના કર્મઠ સપૂત વીર સાવરકરને તેમની જયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આ સાથે જ તેમણે સાવરકર અંગેના પોતાના તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મેસેજીસ (વોઈસઓવર) સાથે હિંદુત્વના અગ્રણી વિચારકના ગુણો અને યોગદાન અંગે વાત કરતું એક તસવીર આલબમ પણ શેર કર્યું હતું.

વીર સાવરકરનો જન્મ વર્ષ ૧૮૮૩માં મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ હિંદુત્વના પ્રખર વિચારક હતા. આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે, 'સ્વતંત્રતા સેનાની, સામાજીક કાર્યકર અને એક વિદ્વાન, વીર વિનાયક દામોદર સાવરકર હિંદુત્વના પ્રમુખ વિચારકોમાંથી એક હતા. તેમની જયંતીના અવસર પર આદરણીય વડાપ્રધાને તેમની એક ક્લિપ શેર કરીને સાવરકરના વિભિન્ન ગુણોને રજૂ કર્યા છે.'

ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે ટ્વિટમાં વીર સાવરકરને ૨ વખત મળેલી આજીવન કેદ અને કાળકોટડીની યાતનાઓ યાદ કરી હતી અને આવી અમાનવીય યાતનાઓ પણ મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવાના તેમના સંકલ્પને ડગાવી ન શકી તેવો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત સાવરકરના અસ્પૃશ્યતા નિવારણના પ્રયત્નોને પણ યાદ કર્યા હતા. તે સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટમાં લખ્યું હતું કે, 'સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરજીનું સંપૂર્ણ જીવન મા ભારતીની આરાધના અને રાષ્ટ્રવાદના પ્રસારમાં સમર્પિત રહ્યું.'

(7:49 pm IST)