Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભારતમાં મંજૂરી નહીં મળે તો ટેસ્લા તેનો પ્લાન્ટ નહીં સ્થાપે

ટેસ્લાની ઈલેક્ટ્રિક કારની ભારતમાં એન્ટ્રીને લઈ ચર્ચા : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે દેશમાં પ્લાન્ટ લગાવવામાં થઈ રહેલા વિલંબને લઈને મૌન તોડ્યું

નવી દિલ્હી, તા.૨૮ : અમેરિકાના ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

હવે કંપનીના સીઈઓ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે દેશમાં પ્લાન્ટ લગાવવામાં થઈ રહેલા વિલંબને લઈને મૌન તોડ્યું છે. મસ્કે જણાવ્યું કે, અંતે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાને લઈને તેમની શું તૈયારી છે અને તેમણે પાછી પાની કેમ કરી છે.

એલોન મસ્ક ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના ટ્વીટ સતત ચર્ચામાં રહેતા હોય છે. હવે ટ્વીટર પર એક યૂઝર દ્વારા ટેસ્લા વિશે પૂછવા પર મસ્કે જણાવ્યું કે, ટેસ્લા એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નહીં સ્થાપશે જ્યાં અમને કાર વેચવાની અને સેવા પૂરી પાડવાની મંજૂરી નહીં મળશે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર એલોન મસ્કને ભારતમાં ટેસ્લાના પ્લાન્ટ લગાવવાનું આમંત્રણ આપી રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં પોતાની ઈલેક્ટ્રિક ગાડીઓ બનાવે તો કોઈ સરકારને સમસ્યા નથી પરંતુ તેમણે ચીનથી કારોની આયાત ન કરવી જોઈએ. જ્યારે મસ્ક દેશમાં પહેલા કારોનું વેચાણ અને બાદમાં પ્લાન્ટ લગાવવાની વાત કરી રહ્યા છે.

ગડકરીએ ટેસ્લા સીઈઓ આમંત્રણ આપતા કહ્યું હતું કે, ભારતમાં ઈ-વાહન ક્ષેત્રમાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. આવી સ્થિતિમાં એલોન મસ્કને મારુ સૂચન છે કે, ભારતમાં તેમને એક સારુ બજાર મળી શકશે. તેમણે કહ્યું હતું કે, ચીનમાં ઉપલબ્ધ તમામ ગુણવત્તા વાળા વિક્રેતાઓ અને ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ભારત પાસે પણ છે. મસ્ક માટે ભારતમાં તેને બનાનવવું અને વેચવું સરળ બની રહેશે.

 

(7:47 pm IST)