Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ગુજરાતીનું માથુ ઝૂકે તેવું કામ મેં નથી કર્યુ : મોદીજી

દિલ્‍હી જઈને ગાંધી-સરદારના સંસ્‍કારની કોઈ કસર છોડી નથી : ગરીબલક્ષી કાર્યક્રમોની વણઝાર ચલાવી છે : આટકોટમાં હોસ્‍પિટલના નિર્માણના કારણે સૌરાષ્‍ટ્રની આરોગ્‍ય સેવામાં મોટો વધારો થયો : દરેક જીલ્લામાં મેડીકલ કોલેજ બનાવવાની નેમ : આટકોટમાં મોદીજી છવાયા : આટકોટમાં ડો.ભરતભાઈ બોઘરા પર અભિનંદનોનો વરસાદ વરસાવતા વડાપ્રધાન : હોસ્‍પિટલનું ઉદ્દઘાટન

(અશ્વિન છત્રારા - વિજય વસાણી દ્વારા) આટકોટ-રાજકોટ, તા. ૨૮ : આજે સવારે જસદણ પાસેના આટકોટ ગામે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પાટીદાર ટ્રસ્‍ટ સંચાલિત મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનું ઉદ્દઘાટન કર્યુ હતું. ત્રણેક લાખ લોકોની ઉપસ્‍થિતિમાં અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો.
ઉદ્દઘાટન પ્રસંગે નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યુ હતું કે આરોગ્‍ય અભિયાન સરકારનું છે. તેમાં લોકોનો સહકાર મળતા સરકારની શકિત બમણી બની જાય છે. તમે મને દિલ્‍હી મોકલ્‍યો પછી માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર છોડી નથી. મહાત્‍મા ગાંધી અને સરદાર પટેલના સંસ્‍કારો દિપાવ્‍યા છે. ગરીબોના કલ્‍યાણને પ્રાથમિકતા આપી છે. વિકાસને ગતિ આપી છે. સરદારના સપનાનું ભારત બનાવવા પ્રયાસ કર્યો છે. આ માટે આયુષ્‍યમાન યોજનાથી માંડીને બીજી અનેક યોજનાઓ આપી છે. ગરીબોની ગરીમા જળવાય તેવુ કામ કર્યુ છે. મતદારોના કારણે હું મજબૂત છું. ગુજરાતીઓનું માથું ઝૂકે તેવું એક પણ કામ મેં કર્યુ નથી. કેન્‍દ્રમાં સરકાર રચ્‍યાને ૮ વર્ષ પૂરા થાય છે. તમે મને દિલ્‍હી મોકલ્‍યો હતો. મને વિદાય આપી હતી, પણ અહિંની જનમેદની જોઈને લાગે છે કે તમારો મારા પ્રત્‍યેનો પ્રેમ બમણો થઈ ગયો છે.
તાજેતરમાં ઐતિહાસિક સંકટ હતું. મહામારીના દિવસો હતા. લોકડાઉનની સ્‍થિતિમાં ગરીબોને ચિંતા હતી કે ઘર કેમ ચાલશે? પરંતુ સરકારે અન્‍નના ભંડાર ખોલી નાખ્‍યા હતા. ગેસ સિલિન્‍ડર વિનામૂલ્‍યે આપવાની યોજના બનાવી હતી. જનધન ખાતામાં પૈસા મોકલવામાં આવ્‍યા હતા. મહામારીમાં ટેસ્‍ટીંગ થી માંડીને સારવારની સુવિધા આપવામાં આવી હતી. દરેક લોકોને વિનામૂલ્‍યે વેક્‍સીન આપવાની સફળ યોજના બહાર પાડી છે. આ સ્‍થિતિમાં યુદ્ધ શરૂ થયુ છે. અમારા નિરંતર પ્રયાસ છે કે ગરીબ - મધ્‍યમ વર્ગની મુશ્‍કેલી અમે દૂર કરીએ. હક્કદાર ને હક્ક આપવા અમે બંધાયેલા છીએ. મૂળભૂત સુવિધા આપીએ છીએ.
આટકોટ જેવા સેન્‍ટરમાં ડો.ભરતભાઈ બોઘરાએ હોસ્‍પિટલનું નિર્માણ કર્યુ આટલી સુવિધાવાળી હોસ્‍પિટલની કલ્‍પના પણ આવા સેન્‍ટરમાં ન થઈ શકે. પણ ભરતભાઈ અને પાટીદાર સમાજે એ સાકાર કરી બતાવ્‍યુ છે. પટેલ સેવા સમાજ અને ભરતભાઈ બોઘરાને ખૂબ ખૂબ અભિનંદન. આરોગ્‍ય ક્ષેત્રે ખૂબ મોટુ નિર્માણ થયુ છે. આ સેવા અન્‍યને પણ પ્રેરણા આપે તેવી છે. મોદીએ હળવી મજાક કરતાં કહ્યુ હતું કે હું શુભેચ્‍છા આપુ છુ કે આ હોસ્‍પિટલ કાયમ ખાલી રહે. લોકોનું આરોગ્‍ય એટલુ સારૂ રહે કે હોસ્‍પિટલમાં જવાની જરૂર જ ન પડે અને જરૂર પડે તો પણ દર્દી આ હોસ્‍પિટલમાંથી તાજો માજો થઈને બહાર આવે તેવી પણ શુભેચ્‍છા છે. મોદીજીએ કહ્યુ હતું કે હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓએ મને જણાવ્‍યુ છે કે અહિં કોઈની સારવાર પૈસા વગર અટકવા નહિં દઈએ. આ હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્ર માટે નમૂનારૂપ બનશે. રાજકોટમાં એઈમ્‍સ, જામનગરમાં પરંપરાગત ઔષધોનું સેન્‍ટર અને હવે આટકોટમાં સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્રનો વટ પડી ગયો છે. ગુજરાતમાં આરોગ્‍ય ક્ષેત્રે હરણફાળ ભરી છે. તે બદલ હું ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને પણ અભિનંદન આપુ છું.
૨૦૦૧ની સાલમાં ગુજરાતમાં ૯ મેડીકલ કોલેજ હતી. તેમાં ૧૧૦૦ સીટ હતી. આજે રાજયમાં ૩૦ મેડીકલ કોલેજ છે. અને કુલ ૮ હજાર બેઠકો છે. અમારો ધ્‍યેય દરેક જીલ્લે મેડીકલ કોલેજ સ્‍થાપવાનો છે. આ ઉપરાંત માતૃભાષામાં અભ્‍યાસ કરેલા વિદ્યાર્થીઓ પણ ડોકટર બને તેવી સિસ્‍ટમ અમે અપનાવી છે.
મોદીજીએ જણાવ્‍યુ હતું કે, હાલ ગુજરાતને ડબલ એન્‍જીન સરકાર મળી છે. મૌસાળ જમણવાર અને મા પીરસનાર જેવી સ્‍થિતિ છે. વિકાસની અડચણો અમે દૂર કરી દીધી છે. અત્‍યાર સુધી ગુજરાતના કામો કરવા માટે કેન્‍દ્રએ તાળા મારેલા હતા. તે તાળા અમે ખોલી નાખ્‍યા છે. નર્મદા જેવી યોજનાને મંજૂરી આપતા નહોતા. આજે નર્મદાના નીરથી સૌરાષ્‍ટ્ર લીલુછમ છે. અભૂતપૂર્વ વિકાસ ચાલી રહ્યો છે. સૌરાષ્‍ટ્રમાં મીઠાના ઉદ્યોગ સિવાય કોઈ ઉદ્યોગ ન હતો. આજે વિશ્વ સ્‍તરે તેના ડંકા વાગે છે. મોરબીમાં ઘડિયાલ ઉદ્યોગ, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ અને ફાર્મા ઉદ્યોગે ખૂબ વિકાસ કર્યો છે. સાહસિકતા સૌરાષ્‍ટ્રની ઓળખ છે. આજે ખેતી ક્ષેત્રે પણ સૌરાષ્‍ટ્ર આગળ છે.
મોદીજીએ કહ્યુ હતું કે અમે ગરીબ અને મધ્‍યમ વર્ગ લોકો માટે કામ કરીએ છીએ. મારે ગરીબી જાણવા માટે અભ્‍યાસ કરવો પડે તેમ નથી. મેં ગરીબી અનુભવી છે. તેની સુખાકારી માટે સરકાર સમર્પિત છે. લોકોનો પ્રેમ અને શકિત જ મારી મૂડી છે.

 

(2:39 pm IST)