Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ચીનની સંસદમાં વિવાદિત હોંગકોંગ સુરક્ષા બિલ પસાર

બિલથી આતંકવાદ પર લગામ કસવામાં આવશે : અમેરિકા, બ્રિટિન અને ઈયુ દેશોએ નારાજગી વ્યક્ત કરી

બેજિંગ, તા. ૨૮ : ચીનની સંસદમાં ગુરુવારે હોંગકોંગ માટે એક નવા વિવાદાસ્પદ સુરક્ષા કાનૂનને મંજૂરી આપવામાં આવી છે. બિલ પસાર થતાં હવે પૂર્વ બ્રિટિશ કોલોનીમાં બેઇજિંગના અધિકારોને કમજોર કરવા ગુનો ગણાશે. નવા કાનૂનથી ચીનની સુરક્ષા એજન્સીઓ પહેલી વાર હોંગકોંગમાં પોતાના પ્રતિષ્ઠાન ખોલી શકશે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ(એનપીસી) હોંગકોંગ માટે એક નવા સુરક્ષા કાનૂન સહિત છેલ્લા દિવસે કેટલાક બિલ પસાર કર્યા છે. હવે કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિએ બિલ પસાર કરી દીધા છે અને ઓગષ્ટ સુધી કાનૂન બની શકે છે.

             બિલની સંપૂર્ણ જાણકારી હવે સામે આવી નથી. હોંગકોંગમાં અધિકારીઓએ કહ્યુ કે કાનૂન વધતી હિંસા અને આતંકવાદ પર લગામ લગાવવા માટે જરુરી છે અને ક્ષેત્રના રહેવાસીઓએ નવા કાનૂનથી ડરવાની જરુરત નથી. ટીકાકારોને ડર છે કે કાનૂનથી બેઇજિંગમાં નેતૃત્વ સામે સવાલ પેદા કરવા અને પ્રદર્શનમાં સામેલ થવું અને સ્થાનિક કાનૂન હેઠળ પોતાના વર્તમાન અધિકારીઓનો ઉપયોગ કરવો કરવા પર હોંગકોંગ નિવાસીઓ પર કેસ ચાલી શકે છે. ચીનના પગલાંથી હોંગકોંગમાં પ્રદર્શનોનો નવો યુગ શરુ થઈ ગયો છે. હોંગકોંગની સંસદ જ્યારે એક અલગ સૂચિત કાનૂન પર ચર્ચા શરુ કરી તો બુધવારે ફરી અથડામણ શરુ થઈ હતી. વિવાદિત કાનૂનથી ચીનનું રાષ્ટ્રગીતનું અપમાન કરવું અપરાધ ગણી લેવામાં આવશે.

             અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયને નવા સુરક્ષા કાનૂનની ટીકા કરતા તેને હોંગકોંગ વાસીઓની આઝાદી પર હુમલો ગણાવ્યો છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીની વચ્ચે અમેરિકા અને ચીનની વચ્ચે વધતા તણાવની સાથે વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોંગકોંગ માટે ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનથી નાખુશ છે. જોકે, હોંગકોંગ બાર એસોશિયેશને કહ્યુ કે ચીનનો નવો સૂચિત કાનૂન કોર્ટોના ચક્કરમાં ફસાઈ શકે છે. કારણ કે બેઇજિંગની પાસે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને પૂર્વ બ્રિટિશ કોલોની માટે લાગૂ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, હોંગકોંગના લોકો ચીનના વલણથી નારાજ થયા છે.

(8:11 pm IST)