Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઘોર બેદરકારી : કોરોના સંક્રમિત 15 લોકોના રિપોર્ટ નેગેટિવ બતાવી ઘરે મોકલી દીધા : તપાસના આદેશ

પરિવાર સહિતના અન્યો પણ સંપર્કમાં આવતા ચેપ લાગ્યાની દહેશત

સિમલા : હિમાચલમાં કોરોના સંક્રમિતોને લઇને તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે  અહીં હમીરપુરમાં કોરોના સંક્રમિત 15 લોકોનાં રિપોર્ટ નેગેટિવ બતાવીને તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યાં. શિમલાથી કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ પ્રશાસને આંખે પાણી આવી ગયા છે. હવે તમામ કોરોના સંક્રમિતોને ઘરેથી કોવિડ-19 કેર સેન્ટર ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે.

એસડીએમ ભોરંજે તમામ પોઝિટિવ લોકોને ઘરે મોકલવાનાં આદેશ જારી કર્યા હતાં. જિલ્લા પ્રશાસને આ મામલો ધ્યાનમાં આવતા જ તેની પર તપાસ શરૂ કરી દેવાઇ છે. સ્વાસ્થ્ય વિભાગે પણ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. CMO હમીરપુર ડૉ. અર્ચન સોનીએ કહ્યું કે, આ મામલાની પડતાલ કરવામાં આવી રહી છે.

આ મામલાનો સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. પ્રશાસનિક ઓફિસરો સહિત હોસ્પિટલ પ્રશાસનનાં પણ અનેક અધિકારીઓ પર કાર્યવાહી થવાની શક્યતા છે. તમામ કોરોના સંક્રમિત મુંબઇથી હમીરપુર આવી રહ્યાં હતાં કે જેઓને જવાહર નવોદય વિદ્યાલય ડુંગરી ભોરંજમાં સંસ્થાગત ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. સ્વાસ્થ્ય વિભાગે તેમનાં સેમ્પલ લઇને તપાસ માટે આઇએચબીટી પાલમપુર મોકલ્યાં હતાં.

તેમનાં સેમ્પલનો તપાસ રિપોર્ટ ખોટો સમજી બેસતા તેઓને તમામને બુધવારનાં રોજ ઘરે મોકલી દેવામાં આવ્યાં. ઘરે પહોંચવા પર પરિવારનાં સભ્યો પણ તેઓનાં સંપર્કમાં આવ્યાં. જિલ્લા પ્રશાસને હવે કન્ટેમેન્ટ ઝોન જાહેર કરીને તેની પર પ્રતિબંધ લગાવી દીધો છે. કરફ્યુમાં ઢીલ પણ રદ થઇ શકે છે. તમામ કોરોના સંક્રમિત હમીરપુર, ભોરંજ, નાદૌન અને બડસર ઉપમંડલનાં છે.

(8:09 pm IST)