Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સરકાર દ્વારા જનતા માટે રાહતરૂપ પગલુઃ પેન્‍શન ખાતુ ખોલવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી

નવી દિલ્હી: સરકારે જનતા માટે એક રાહતનું પગલું ભર્યું છે. જે લોકો પોતાના પેન્શન ખાતા ખોલાવવા માંગે છે તેમના માટે પ્રોસેસિંગને ખુબ જ સરળ બનાવી દીધી છે. નવા નિર્દેશો મુજબ હવે  કોઈ પણ ઈચ્છુક વ્યક્તિએ આધારકાર્ડની ફિઝિકલ ફોટોકોપી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

સરળ થઈ પ્રક્રિયા

પોતાના તાજા નિર્દેશમાં પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDAએ નવી પેન્શન પ્રણાલી (NPS) હેઠળ ખાતું ખોલાવવું સરળ બનાવ્યું છે. જે મુજબ નવું ખાતું ખોલાવવા માટે 'નો યોર કસ્ટમર' પ્રક્રિયાને પેપરલેસ બનાવી છે. હવે ફક્ત ઓફલાઈન આધાર સાથે ખાતું ખોલાવી શકશો અને ફિઝિકલ રીતે તેની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં.

પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA)એ જણાવ્યું કે તેણે ઈ-એનપીએસ/પોઈન્ટ ઓફ પ્રેઝન્સ કેન્દ્રો (જ્યાં એનપીએસ ખાતા ખોલાવવામાં આવે છે) ને સંભવિત અંશધારકોની સહમતિ સાથે 'ઓફલાઈન' આધાર દ્વારા એનપીએસ ખાતા ખોલાવવાની મંજૂરી આપી દીધી છે.

UIDAI પોર્ટલથી ડાઉનલોડ કરી શકો છો આધાર ફાઈલ

'ઓફલાઈન' આધાર સાથે પેપરલેસ વેરિફિકેશનથી ફિઝિકલ રીતે 12 અંકોવાળા ઓળખપત્રની કોપી આપવાની જરૂર રહેશે નહીં. નવી પ્રક્રિયા મુજબ અરજીકર્તા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) પોર્ટલ પર જઈને ઈ-એનપીએસ (e-NPS) દ્વારા પાસવર્ડ સુરક્ષિત આધાર XML ફાઈલ ડાઉનલોડ કરી શકે છે. કેવાયસી માટે તેને શેર કરી શકાય છે. આ સુવિધાનો લાભ 'પોઈન્ટ ઓફ પ્રેઝન્સ' દ્વારા અનેપીએસ ખાતા ખોલાવવામાં પણ કરી શકાય છે.

તરત ખોલી શકાય છે એકાઉન્ટ

આ પ્રક્રિયા કેવાયસી વિગતો માટેનું મશીન રીડ કરી શકે તેવા XML ફોર્મેટમાં હોય છે. જેના પર યુઆઈડીએઆઈના ડિજિટલ હસ્તાક્ષર હોય છે. જેનાથી ઈએનપીએસ/પીઓપી તેની તપાસ અને ખરાઈ કરી શકે છે. તેમાં ઓળખ અને એડ્રેસની ચકાસણી પણ થાય છે. તેના માધ્યમથી એનપીએસ ખાતું તત્કાળ ખોલી શકાય છે અને અંશધારક તેમાં તરત પૈસા જમા પણ કરી શકે છે.

(5:08 pm IST)