Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વાયરસના અલગ અલગ ભાગોને ટાર્ગેટ કરી કોવિડ-૧૯ સામે લડે છે શરીર !

કોરોના વાયરસે દુનિયાભરમાં લાખો લોકોને ઝપટમાં લીધા છે. કોવિડ-૧૯ સાથે જંગ લડીને ઘણા દર્દીઓ સાજા થયા છે. હવે એક નવા અધ્યયનમાં શોધકર્તાઓએ જાણ્યુ કે સાજા થયેલા દર્દીઓએ વાયરસ સાથે અલગ અલગ રીતે લડાઈ લડી હતી કારણ કે તેમના શરીરે અલગ અલગ રણનીતિઓનો ઉપયોગ કર્યો હતો. શોધકર્તાઓનું કહેવુ છે કે તેમને એ પણ જાણવા મળ્યુ કે વાયરસ પર હુમલો કરવાવાળા એન્ટીબોડી માત્ર બે સપ્તાહ સુધી રહે છે. ડો. અજય મોહનનું કહેવુ છે કે કોરોના વાયરસ મનુષ્યના શરીરના ઘણા ભાગોમાં સંક્રમણ પેદા કરે છે. મોટાભાગે નાક, સાયનસ અને ગળાના ઉપરના ભાગમાં વાયરસની અસર થાય છે.

ચીનના બીજીંગમાં એકેડેમીક ઓફ મિલીટ્રી મેડીકલ સાયન્સીઝના અભ્યાસુ ચેંગફેંગ કિન કહે છે કે આ તારણ વેકસીન ડીઝાઈન માટે ઉપયોગી થઈ શકે છે. અમે આ બારામાં વધુ જાણતા નથી કે નવા કોરોના વાયરસ માટે સુરક્ષાત્મક ઈમ્યુન સિસ્ટમ કેવી રીતે પ્રતિક્રિયા કરે છે ? પરંતુ આ બાબતમાં જાણી એક અસરકારક વેકસીન-રસી ડેવલોપ કરવામાં તેજી આવી શકે છે.

સિંધુઆ યુનિવર્સિટીના કો-સિનીયર સ્ટડી લેખક ચેન ડોંગ કહે છે કે અમારા સંશોધને સુરક્ષાત્મક ઈમ્યુનીટીના આગળના વિશ્લેષણ માટે અને ખાસ કરીને કોવિડ-૧૯ના ગંભીર મામલાઓને ઉંડાઈપૂર્વક સમજવા માટે આધાર પુરો પાડયો છે.

એક અધ્યયનમાં ચીની શોધકર્તાએ કોરોના વાયરસથી સાજા થયેલા ૧૪ દર્દીઓનું અધ્યયન કર્યુ હતું. આ પૈકીના ૮ દર્દીઓને હાલમાં જ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી અને બાકીનાને બે સપ્તાહ પહેલા રજા આપવામાં આવી હતી. શોધકર્તા ટીમે સાજા થયેલા દર્દીઓના જુદા જુદા બે ભાગ પાડી લોહીના નમૂના લીધા હતા. સાજા થયેલા ૧૪ દર્દીઓ અને ૬ અન્ય જુથના કે જેમને કોરોના થયો ન હતો તેમના નમૂના લેવાયા હતા પછી એન્ટીબોડી માટે લોહીના નમૂનાનુ વિશ્લેષણ અને તેમની તુલના કરવામાં આવી હતી. આ અધ્યયનમાં સાજા થયેલા દર્દીઓના લોહીના નમૂનામાં બે સુરક્ષાત્મક માનવ કોષિકાઓ બી અને ટી મળી આવી. ચેનના જણાવ્યા મુજબ બી અને ટી કોષિકા વાયરલ સંક્રમણ વિરૂદ્ધ કામ કરતી ઈમ્યુનીટી સાથે ભાગ લે છે.

કોવિડ-૧૯ સંક્રમણની શરૂઆતના તબક્કામાં બી કોષિકાઓ આઈજીએમ નામનુ એક એન્ટીબોડી બનાવે છે. કેટલાક દિવસો પછી કોષિકાઓ બીજા પ્રકારનું ઉત્પાદન કરે છે જેને આઈજીજી કહેવાય છે. કંટ્રોલ ગ્રુપ(સંક્રમણ ન થયુ હોય તેવુ ગ્રુપ)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓના જુથમાં બન્ને એન્ટીબોડી ઉચ્ચ સ્તરે જોવા મળ્યા હતા.

આ ઉપરાંત હમણા જ રજા આપવામાં આવેલા ૬ દર્દીઓમાંથી ૫માં એક અન્ય પ્રકારના એન્ટીબોડી ઉચ્ચ સ્તરે મળી આવ્યા જે રોગના અણુઓથી માનવ કોષિકાઓની રક્ષા કરવા માટે જાણીતા છે. આ ૫ દર્દીઓમાં ટી કોષિકાઓનું સ્તર પણ વધુ હતું. આ કોષિકા એક અણુને છોડે છે જે બચાવને વધુ મજબુત કરવા માટે મદદ કરે છે. શોધકર્તાઓએ જાણ્યુ કે આ રોગીઓએ સુરક્ષાત્મક કોષિકા વિકસાવી જેને પાસે અલગ અલગ લક્ષ્ય હતુ. આ તારણોએ સુઝાવ આપ્યો કે શરીર વાયરસના જુદા જુદા ભાગોને ટાર્ગેટ કરી સંક્રમણ સામે લડે છે, પરંતુ આની પાછળના કારણને સમજી શકતા નથી. આ જાણકારીઓને ઉપયોગમાં લઈ વૈજ્ઞાનિકો રસી વિકસાવી શકે છે.

શોધકર્તાઓના જણાવ્યા મુજબ રસી એક વિશેષ કોરોના વાયરસ હિસ્સાને ટાર્ગેટ કરે છે જેને સ્પાઈક પ્રોટીન કહેવાય છે. આ પ્રોટીન વગર વાયરસ માનવ કોષિકાઓને સંક્રમિત કરી શકતો નથી. શોધના પરિણામો દર્શાવે છે કે સ્પાઈક પ્રોટીન સાર્સ-સીઓવી-૨ની રસી માટે આશાજનક છે. શોધકર્તાઓનું કહેવુ છે કે તેમનો અભ્યાસ નાના પાયે હતો. સાજા થયેલા વધુ દર્દીઓના ડેટા સાથે સંશોધન કરવાથી આ વિષયમાં વધુ સારા પરિણામો મળી શકે.

(4:09 pm IST)