Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ચીનની કોઈપણ ચાલને સફળ નહિ થવા દે ભારત

નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અજીત ડોભાલ અને વિપીન રાઉતની બેઠકમાં ઘડી કાઢવામાં આવ્યો વ્યુહ

નવી દિલ્હી, તા. ૨૮ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સુરક્ષા સંબંધી મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચીનની એક પણ ચાલને સફળ ન થવા દેવા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. જુદા જુદા સ્તરે કુટનીતિક રીતે ચક્રવ્યુહ ઘડી કાઢવામાં આવ્યો છે. પૂર્વ લડાખના ૩ કેન્દ્રો ઉપર ચીને કરેલી ઘુસણખોરીથી ભારતના જોરદાર વળતા હુમલાને કારણે ચીને પાછીપાની કરવી પડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષામંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીફ ઓફ ડીફેન્સ જનરલ બિપીન રાઉત સાથે બેઠકમાં નક્કી કર્યુ છે કે ચીન જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ દેવામાં આવશે. ભારતના આ તેવરથી ચીન ચોંકી ઉઠયુ છે. જીનપીંગે પોતાના સૈન્યના અધિકારીઓને બેઠકમાં યુદ્ધ માટે તૈયાર રહેવા કહી દીધુ છે !

ચીનના રાષ્ટ્રપતિએ કોઈ દેશનું નામ લીધા વગર યુદ્ધની તૈયારી માટે જણાવ્યુ છે જો કે ચીનનું સૌથી મોટુ કુટનિતીક યુદ્ધ તો અમેરિકા સાથે ચાલી રહ્યુ છે જે કોરોનાના કારણે ઉદ્ભવ્યુ છે પરંતુ જ્યારે ચીનની હરકતો ઉપર ભારતે પોતાના કડક તેવર દેખાડયા ત્યારે અમેરિકાને પણ લાગ્યુ કે હાલત બદલી રહ્યા છે. ટ્રમ્પે પોતાના ટ્વીટમાં કહ્યુ કે સીમા વિવાદને લઈને મધ્યસ્થી બનવા અમેરિકા તૈયાર છે.

કોરોનાની મહામારી દરમિયાન ભારતે પોતાનુ પુરેપુરૂ ધ્યાન સંક્રમણમાંથી બહાર નિકળવા ઉપર લગાવ્યુ છે ત્યારે બીજી બાજુ ચીને એલએસી ઉપર ભારતીય સીમા નજીક આશરે ૫૦૦૦ સૈનિકો ઝડપથી ઉતારી દીધા છે. ભારતે પણ સામે એટલી જ ઝડપથી પોતાની ફોજ ઉતારી દીધી છે. હવે ભારતની નારાજગી અને અમેરિકાના ગુસ્સા વચ્ચે ચીન જુદુ પડી ગયેલુ દેખાય છે. દુનિયાના તમામ દેશો ચીનથી મોઢુ ફેરવી રહ્યા છે છતાં ચીન પોતાના રક્ષા બજેટમાં સતત વધારો કરી રહ્યુ છે.

ચીન પોતાની તાકાત દેખાડવામાં મશગુલ છે પરંતુ અમેરિકાના બહાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચક્રવ્યુહએ ચીનને કુટનીતિક રીતે ઘેર્યુ છે. 'દુશ્મનના દુશ્મન દોસ્ત'ની કુટનીતિ અપનાવી ભારતે તાઈવાનને સમર્થન કરી દીધુ છે. બુધવારે તાઈવાનના નવા રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનના શપથગ્રહણ સમારોહમાં બીજેપીના બે સાંસદ મિનાક્ષી લેખી અને રાહુલ કસ્વાંએ ઓનલાઈન ભાગ લઈ વધામણી આપી હતી. ભારત જેવા દેશના સમર્થનથી તાઈવાનને તાકાત મળી છે જે આજે નહિ તો કાલે ચીન વિરૂદ્ધમા કામ આવી શકે છે. આ વલણથી પણ ચીન સમસમી ગયુ છે.

ચીનના વિરૂદ્ધમા હોંગકોંગમાં પણ નારાજગી છે. હોંગકોંગમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે ચીને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન સંસદમાં રજૂ કર્યો છે. બીજી તરફ દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર ભારત હોંગકોંગના લોકતાંત્રિક મૂલ્યોને સમર્થન આપી રહ્યુ છે. જો કે નરેન્દ્ર મોદી અગાઉ જ પોતાના લોકતાંત્રિક મૂલ્યો દુનિયા સમક્ષ મુકી ચૂકયા છે. ચીનને ઘેરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ત્રીજો વ્યુહ આર્થિક મોરચો છે. કોરોનાએ દુનિયામાં ચીનની શાખને ધૂળમાં મેળવી દીધી છે. ત્યાં કોઈ કંપની કામ કરવા માંગતી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ કહી રહ્યા છે કે ચીનને અલગ પાડી દેવુ છે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંઈ કહ્યા વગર જ આત્મનિર્ભર ભારતનો નારો આપી બધુ જ કહી દીધુ છે.

આજે દુનિયામાં મેન્યુફેકચરીંગનું સૌથી મોટુ હબ ચીન છે, પરંતુ કોરોનાથી ચીનની આ તાકાત તૂટવાની છે. કોરોનાથી પેદા થયેલી તકલીફો વચ્ચે દુનિયાની લગભગ ૧૦૦૦ કંપનીઓ ભારતમાં પોતાની ફેકટરીઓ લગાવવા માંગે છે. આ કંપનીઓમાં મોબાઈલ, મોબાઈલ ડીવાઈસીસ, કપડા, સિન્થેટીક ફેબ્રીકસ અને ઈલેકટ્રોનીકસ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓ ભારતને ચીન પછીના વૈકલ્પીક મેન્યુફેકચરીંગ હબ તરીકે જોઈ રહી છે.

બીજા દેશોમાં ચીનનો માલ વેચાય તો તેમનુ ખિસ્સુ વધુ મજબુત થાય છે અને તે પૈસાનો ખર્ચ યુદ્ધ માટેનો શસ્ત્ર સરંજામ લેવામાં થઈ શકે છે. ભારતની નવી રણનીતિ છે કે કોરોનાકાળમાં ચીનથી નારાજ કંપનીઓ પાસેથી ફાયદો ઉઠાવી લેવામાં આવે. ચીન સાથે આજે પાકિસ્તાન જેવા એકલદોકલ દેશને છોડીને કોઈ ઉભુ નથી. જ્યારે ભારતની તાકાત વૈશ્વિક દોસ્તીને મામલે વધી રહી છે.

(4:05 pm IST)