Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રિલાયન્સ જિઓના ઓવરસીઝ IPOની તૈયારી કરી રહ્યા છે મુકેશ અંબાણી

નવી દિલ્હી, તા. ૨૮: એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોના માલિક મુકેશ અંબાણી હાલના દિવસોમાં એક પછી એક મોટી ડીલ ફાઈનલ કરતા જઈ રહ્યા છે. રિયાલન્સ જિયોએ અત્યાર સુધી લગભગ ૭૮ હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ મળી ચૂક્યું છે. નવી જાણકારી મુજબ, જિયો હવે વિદેશમાં લિસ્ટ થવા જઈ રહી છે. એટલે કે, જિયોના ઓવરસીઝ આઈપીઓ લિસ્ટિંગની તૈયારીઓ ચાલી રહી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જિયો પ્લેટફોર્મ લિમિટેડ ભારતની બહાર આઈપીઓની યોજના તૈયારી કરી રહ્યું છે. જિયો પ્લેટફોર્મ્સમાં રિયાલન્સ ગ્રુપનું ડિજિટલ એસેટ અને વાયરલેસ બિઝનેસ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સામેલ છે. મુકેશ અંબાણીનું લક્ષ્ય આ કંપનીને સૌથી મોટી ઈ-કોમર્સ અને પેમેન્ટ ઓપરેટ બનાવવાનું છે.

અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, પબ્લિક ઓફરિંગ આગામી ૧૨-૨૪ મહિનામાં પૂરી થઈ શકે છે. લિસ્ટિંગ ક્યાં થશે, કેટલા શેર બજારમાં મૂકાશે. તેના દ્વારા કંપની કેટલું ફંડ એકઠું કરવા માગે છે, હાલ આ બાબતોની વધુ જાણકારી મળી નથી. ભારત ઘણું મોટું બજાર છે, જેના પર એમેઝાન, વોલમાર્ટ, ગુગલની પેમેન્ટ કંપની આલ્ફાબેટની નજર છે. મુકેશ અંબાણી પણ કહી ચૂક્યા છે કે તેઓ જિયો માર્ટ દ્વારા ઈ-કોમર્સની દુનિયામાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. ફેસબુકનું રોકાણ અને તેનાથી ડીલ, આ દિશામાં મોટી સફળતા છે.

(3:51 pm IST)