Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાતમાં શનિ- રવિવારથી પ્રિમોન્સુન વરસાદ

બિહાર, મણીપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની આગાહી : ઉત્તર ભારતમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવશે, પહાડી અને જમીની વિસ્તારોમાં વરસાદઃ ૨૪થી ૪૮ કલાકમાં ઓડીસ્સા- છતિસગઢ- મહારાષ્ટ્ર- એમ.પી.માં વરસાદ ચાલુ થઈ જશેઃ સ્કાયમેટ

રાજકોટઃ જે રાજયોમાં ગરમીનો પ્રચંડ રાઉન્ડ જોવા મળ્યો તેવા રાજયોમાં હવે ગરમીમાં રાહત મળશે. પહાડી વિસ્તારોમાં આજથી વરસાદ શરૂ થઈ જશે અને જમીની વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે. તેમ વેધરની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે.

પૂર્વોતર ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી સારો વરસાદ પડી રહ્યો છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ૫૦ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. તો અનેક જગ્યાએ તેનાથી પણ વધુ વરસાદ પડયો છે. હાલમાં દેશના અનેક રાજયોમાં તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતું.

હવે ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલ્ટો આવશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર પહોંચ્યુ છે. જે ઘણુ એકટીવ છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આજે સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. જયારે પંજાબ, હરીયાણા, દિલ્હી, ચંદીગઢમાં સાંજથી આંધી સાથે વરસાદ પડશે. આ રાજયોમાં તા.૨૯ થી ૩૧ મે વરસાદનો રાઉન્ડ આવશે.

અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ જે વાવાઝોડામાં

પરિવર્તિત થનાર છે તે ઓમાન તરફ ફંટાશે : ગુજરાત ઉપરથી સંકટ ટળશે

અરબી સમુદ્રમાં આવતીકાલે સિસ્ટમ્સ બનનાર છે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે : આ સિસ્ટમ્સ ઓમાન તરફ ફંટાશે જેથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનો ખતરો હાલના અનુમાન મુજબ ટળી ગયો છે : આ સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે : ૧ જૂને આ વાવાઝોડુ સક્રિય થવા લાગશે અને ૨ જૂને આ વાવાઝોડુ અતિ તીવ્ર બનશે ત્યારબાદ  ૩ જૂને આ વાવાઝોડુ દિશા બદલી ઓમાન તરફ ફંટાશે

(2:55 pm IST)