Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મહામારીના નિષ્ણાંતનો દાવો

કોરોના ભારતમાં ૧૮૦૦૦ લોકોને ભરખી જશે

સૌથી વધુ કેસ જુલાઇમાં આવે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં જુલાઇ મહિનાની શરૂઆતમાં કોરોનાના કેસ ચરમ પર પહોંચવાની આશંકા છે અને આ મહામારીના કારણે ભારતમાં ૧૮૦૦૦ લોકો જીવ ગુમાવી શકે છે. આ દાવો એક મહામારી અને લોકઆરોગ્ય નિષ્ણાંતે કર્યો છે. સેન્ટર ફોર કન્ટ્રોલ ઓફ ક્રોનિક કંડીશન્સ (સીસીસીસી)ના ડાયરેકટર પ્રોફેસર ડી. પ્રભાકરને કહ્યું કે દેશમાં આ મહામારી વધવાની દિશામાં છે. પ્રભાકરન બ્રિટનમાં લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડીસીનમાં મહામારી વિજ્ઞાન વિભાગમાં પ્રોફેસર પણ છે.

તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ જુલાઇમાં આવી શકે છે. તેમણે ગઇકાલે જણાવ્યું કે, અલગ અલગ રિસર્ચ અને અન્ય દેશોમાં મહામારીના વધઘટના અનુમાન પર આ આધારિત આંકડો છે. તેમણે કહ્યું કે, આપણે ત્યાં સંક્રમણના ચારથી છ લાખ કેસ થઇ શકે છે અને સરેરાશ મૃત્યુદર ત્રણ ટકા રહી શકે છે એટલે લગભગ ૧૨ હજારથી ૧૮ હજાર મોત થઇ શકે છે.

પ્રભાકરને કહ્યું કે સીમીત ડેટાને જોતા એવું લાગે છે કે, અહીં મૃત્યુદર ઓછો છે પણ ખરેખર એવંુ છે કે નહી તે તો મહામારી ખતમ થયા પછી ખબર પડશે. ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લીક હેલ્થ, હૈદ્રાબાદના ડાયરેકટર પ્રો. જીવીએસ મૂર્તિએ કહ્યું કે, દક્ષિણ એશિયા વિસ્તારમાં સૌથી ઓછો મૃત્યુદર શ્રીલંકામાં છે જે દર દસ લાખે ૦.૪ છે. ભારત, સિંગાપુર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં તે દર દસ લાખની વસ્તીને એકથી ઓછો છે. તેમના અનુસાર એવું બની શકે કે આ દેશોએ મહામારીની શરૂઆતમાં જ લોકડાઉન શરૂ કરી દીધું હતું જેના કારણે મૃત્યુદર ઓછો હોય.

(12:52 pm IST)