Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

પ્રવાસ દરમિયાન પાણી અને દૂધ નહીં મળતા અઢી વર્ષના બાળકનું કરૂણ મોત

બાળકની સ્થિતિ ગંભીર હોવા છતા સારવાર પૂરી નહીં પાડવાનો આરોપઃ પિતા ચાર કલાક સુધી પોલીસ અને રેલવે પ્રશાસન પાસે મદદની ભીખ માગતા રહ્યા

મુઝફ્ફરપુર, તા.૨૮: તાજેતરમાં જ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર એક મહિલાએ ભૂખ-તરસ અને ભીષણ ગરમીના કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આજેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈને પણ વિચલીત કરી દે તેવો છે. આવી જ વધુ એક દ્યટના મુઝફ્ફરપુર સ્ટેશન પર દ્યટી છે. ત્યાં સ્ટેશન પર જ એક અઢી વર્ષના બાળકે પણ અંતિમ શ્વાસ ભર્યા છે.

બાળકના પરિવારજનોનું કહેવું છે કે તેમને રસ્તામાં ખાવાનું અને પીવાનું પાણી પણ નહતું મળી શકયું જેના કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. બાળકની માતા પોતાના બાળકને પોતાનું દૂધ પીવાડાવવામાં અસક્ષમ હતી જેના કારણ તે તેનો પોતાનું દૂધ પણ ન પીવડાવી શકી. જેના કારણે માતા-પિતાની નજરની સામે જ બાળકનું કરુણ મોત નિપજયું હતું.

બાળકના પિતા બેતિયા નિવાસી મકસૂદ આલમના જણાવ્યા અનુસાર તેઓ દિલ્હીમાં પેઈન્ટરનું કામ કરતા હતા. રવિવારના રોજ પોતાના પરિવાર સાથે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બેસીને પોતાના માદરેવતન મઝફ્ફરપુર જવા માટે રવાના થયા હતા. સોમવારે સવારે ૧૦ વાગ્યે તેમની ટ્રેન મુઝફ્ફરપુર પહોંચી હતી. આવી ભીષણ ગરમીમાં તેમને ખાવાનું અને પાણી નહીં મળતા બાળકની સ્થિતિ લથડી ગઈ હતી. મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર ઉતરતા જ બાળકની સ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ હતી.

મૃતક બાળકના પિતા મકસૂદ આલમનો આરોપ છે કે તેણે પોલીસ અને સ્ટોશન પર હાજર જિલ્લા પ્રશાસનના પદાધિકારીઓને બાળકને સારવાર આપવા માટે કાકલુદી કરી હતી પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી. તે સ્ટેશન પર ચાર કલાક સુધી પોતાના બાળકને સારવાર પૂરી પાડવા માટે મદદની ભીખ માગતો રહ્યો તેમ છતા પણ કોઈએ તેની મદદ ન કરી. પ્રશાસન દ્વારા પોતાના ઘર સુધી કે હોસ્પિટલ જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી નહતી. જેના કારણે અંતે બાળકે સ્ટેશન પર જ અંતિમ શ્વાસ ભર્યા.

(10:29 am IST)