Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નર્સ-વૃધ્ધા-મહિલા બુટલેગરને કોરોના વળગ્યો

અમિન માર્ગ-કાલાવડ રોડ-કીટીપરામાં પોઝીટીવ કેસ

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સદી : આજે ૬ કેસ નોંધાતા કુલ આંક ૧૦૫ : કોરોના પોઝીટીવ જસુમતીબેન અને તેમની દોહિત્રી અર્ચનાબેન ૨ દિવસ પહેલા અમદાવાદથી આવ્યા : કીટીપરામાં રહેતા હસુબેન રાઠોડ કોરોના સંક્રમિત : સંપર્કમાં આવેલા ૨૫ લોકોને ફેસીલીટી કોરોન્ટાઇન : કેવલમ રેસીડેન્સી અને કીટીપરા આવાસ યોજનાના ૬૦૦ ઘર કલ્સ્ટર કન્ટેઇમેન્ટ

તંત્ર ઉંધા માથેઃ આજે રાજકોટમાં જંગલેશ્વર સિવાયના વિસ્તારમાં ત્રણ કેસ નોંધાતા મ્યુ. કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગ દ્વારા કેવલમ રેસીડેન્સી અને કીટીપરા વિસ્તારમાં કલ્સ્ટર કન્ટેઇનમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી તે વખતની તસ્વીર.

રાજકોટ,તા.૨૮: શહેરમાં અન્ય જીલ્લામાંથી આવેલા લોકોમાંથી અમદાવાદ શહેરમાંથી આવેલા નર્સ સહિત બે વ્યકિતઓને તેમજ શહેરના ગાયકવાડી વિસ્તારમાં આવેલ કીટીપરા રહેતા મહિલા બુટલેટર સહિત ૩ મહિલાઓના રિપોર્ટ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. કોરોના પોઝીટીવ સંપર્કમાં આવેલા ૨૫ વ્યકિતઓને સમરસ હોસ્ટેલમાં ફેસીલીટી કોરોન્ટાઇન હેઠળ રાખ્યા છે. અન્ય આ ત્રણેય દર્દીઓના રહેણાંક દર્દીઓના ૬૦૦ દર્દીઓને કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે. આજે  શહેર અને જીલ્લમાં ૬ કેસ પોઝીટીવ આવતા કુલ આંક ૧૦૫ પહોંચ્યો છે. આમ, રાજકોટના જંગલેશ્વર સિવાયના વિસ્તારમાંથી આજે ૩ રિપોર્ટ પોઝીટીવ મળ્યા તેમાંથી ૨ની અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી નીકળતા થોડો ફફડાટ ઓછો થયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાવિસ્તારમાં વધુ ૩ પોઝિટીવ કેસ નોંધાયેલ છે. જે (૧) અર્ચનાબેન કલ્યાણભાઈ અગ્રાવત, (ઉ.વ. ૨૭) રહે. કેવલમ રેસિડેન્સી, કાલાવડ રોડ, (૨) જસુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુ, (ઉ.વ. ૮૭) રહે. કેવલમ રેસિડેન્સી, કાલાવડ રોડ અને (૩) હસુબેન મુનાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૨) રહે. F- બ્લોક, રાજીવ આવાસ યોજના, કીટીપરા, ગાયકવાડી નજીક, જંકશન પ્લોટ, ખાતે રહે છે.

૨૫ લોકો ફેસીલીટી કોરોન્ટાઇન

કોરોના પોઝીટીવ અર્ચનાબેન અને  જસુમતિબેન કે જેઓ અમદાવાદથી તા. ૨૫ના રોજ રાજકોટ આવેલા હતા તેમના સંપર્કમાં આવેલા ૦૯ લોકોને સમરસ હોસ્ટેલ ખાતે કવોરેન્ટાઇન કરવામા આવ્યા છે. જ્યારે ત્રીજા દર્દી હસુબેન રાઠોડ કે જે F- બ્લોક, રાજીવ આવાસ યોજના, કીટીપરા ખાતે રહે છે, તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ તેમજ તેમના નજીકના સંપર્કમાં આવેલ ૧૬ વ્યકિતઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવેલ છે.

૬૦૦ ઘરને કલ્સ્ટર કોરોન્ટાઇન

આજે કોરોના પોઝીટીવ આવેલ અર્ચનાબેન અને જસુમતિબેન બંને કેવલમ રેસીડન્સી, કાલાવડ રોડ ખાતે રહે છે, કેવલમ રેસિડેન્સીના કુલ ૧૩૪ ઘરને કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ કરવામાં આવેલ છે.  તેમજ હસુબેન મુનાભાઇ રાઠોડ કીટીપરામાં આવેલ રાજીવ આવાસમાં રહે છે.  આ વિસ્તારના ૪૫૩ જેટલા ઘરને કલ્સ્ટર કન્ટેઇનમેન્ટ કરવામાં આવેલ છે.

આજે શહેરમાં ૩ પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૩ થયેલ છે. અને જીલ્લામાં ૨૨ કેસ નોંધાયા છે. આમ જીલ્લા અને શહેરનો કુલ આંક ૧૦૫ થયો છે.

જયાં કોરોનાં કેસ મળ્યો તે કિટીપરા રાજીવ આવાસમાં મોટાભાગનાં શાકભાજીનાં ફેરિયા વસે છે

આ શાકભાજીનાં ધંધાર્થીઓ જંકશન માર્કેટમાં બેસે છે

રાજકોટ : આજે ગાયકવાડી વિસ્તારનાં કિટીપરા રાજીવ આવાસ યોજનામાંથી દારૂ વેચતી મહીલા બુટલેગરને કોરોનાં પોઝીટીવ હોવાનું ખૂલ્યું છે. ત્યારે જંકશન - ગાયકવાડીમાં ચિંતાનું મોજુ પ્રસર્યુ છે. કેમ કે આ રાજીવ આવાસમાં વસતાં મોટાભાગનાં લોકો જંકશન પ્લોટ માર્કેટમાં શાકભાજી વેંચે છે. ત્યારે હવે શાકભાજી લેવામાં લોકોએ પુરતી કાળજી લેવી પડશે.

જશુમતીબેન પગના ઓપરેશન માટે અમદાવાદ ગયા હતા

તેમના દોહત્રી નર્સ અર્ચનાબેન ખબર પુછવા ગયા હતાઃ બન્ને સાથે રાજકોટ આવ્યા

રાજકોટઃ આજે શહેરમાં કોરોનાના ત્રણ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં અર્ચનાબેન અને જશુમતીબેન સહિત બેની ટ્રાવેલીંગની હિસ્ટ્રી નિકળી છે.

વધુમાં મળતી વિગતો મુજબ  અર્ચનાબેનના નાની કે કોઇ ઓપરેશન માટે અમદાવાદ હોસ્પિટલમાં હતા તેમના ખબર -અંતર પૂછવા અર્ચનાબેન અમદાવાદ ગયેલ અને તેમની સાથે અમદાવાદથી જશુમતીબેન રાજકોટ આવેલ અર્ચનાબેન અહિંની સિવીલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.

અર્ચનાબેન કેવલમ રેસીડન્સી, કાલાવડ રોડ ખાતે રહે છે. જ્યારે જસુમતિબેન વિષ્ણુ કે જેઓ અર્ચનાબેનના નાનીજી છે. જેઓ ચિત્રકૂટ ધામ, અમીનમાર્ગ ખાતે રહેઠાણ ધરાવે છે. પરંતુ તેઓ અમદાવાદથી રાજકોટ આવીને સીધા કેવલમ રેસીડેન્સી ખાતે અર્ચનાબેનને ત્યાં ગયા હતા. ચિત્રકૂટ ધામ, અમીનમાર્ગ ખાતે તેઓ કોઇના સંપર્કમાં આવેલા નથી. તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)