Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વિરોધ પ્રદર્શન રંગ લાવ્યું : આખરે સ્ટરલાઇટ પ્લાન્ટ હંમેશ માટે બંધ

વેદાંતા ગ્રુપના પ્લાન્ટને બંધ કરવા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આદેશ : જોરદાર વિરોધ પ્રદર્શન અને હિંસામાં ૧૩ લોકોના મોત થયા બાદ આખરે પ્લાન્ટ બંધ થયો : દેખાવકારોની માંગ સ્વીકારાઈ : વેદાંતા કંપની પર દબાણ

ચેન્નાઈ, તા.૨૮ : તમિળનાડુ સરકારે તુતીકોરિન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવા માટેનો આદેશ જારી કરી દીધો છે. અત્રે નોંધનીય છે કે, પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ગોળીબારમાં ૧૩ લોકોના મોત થઇ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે એક દિવસ પહેલા જ લોકોને ખાતરી આપી હતી કે, કોપર પ્લાન્ટને બંધ કરવા માટે સરકાર તરફથી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. તુતીકોરિન પ્લાન્ટમાં પ્રદૂષણને લઇને જોરદાર હોબાળો થઇ રહ્યો હતો. પનીરસેલ્વમ સોમવારના દિવસે તુતીકોરિન પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં દાખળ કરવામાં આવેલા કેટલાક ઘાયલ પ્રદર્શનકારીઓને મળ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ઘાયલ થયેલા લોકોની માંગણી ઉપર ધ્યાન આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર ગૃહમાં પણ ઠરાવ રજૂ કરવામાં આવશે. તેઓએ વિશ્વાસ આપતા કહ્યું હતું કે, પ્લાન્ટને બંધ કરવા માટે દરેક પગલા લેવામાં આવશે. વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. પનીરસેલ્વમને એવા આક્ષેપોને રદિયો આપ્યો હતો કે, પોલીસ લોકોના ઘરે જઇને તેમને હેરાન કરી રહી છે. જો કે, પીડિત પરિવારોને મળવા માટે પહોંચેલા પનીરસેલ્વમને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમણે દાવો કર્યો હતો કે, લોકો સરકારથી નાખુશ નથી. તેમની સાથે મંત્રી ડીજયકુમાર પણ પહોંચ્યા હતા. તમિળનાડુ સરકાર દ્વારા વેદાંતા ગ્રુપના સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ કરી દેતા લોકોની નારાજગી હવે દૂર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તમિળનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના હાલના આદેશને સ્વીકારી લેવામાં આવ્યો છે. તેને મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે તમિળનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને યુનિટને હંમેશ માટે સીલ કરી દેવા માટે સૂચના આપી દીધી છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, પ્લાન્ટને હંમેશ માટે બંધ કરવાની માંગ કરી રહેલા દેખાવકારોની અરજીને સ્વીકારી લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા થોડાક દિવસથી લેવામાં આવેલા વિવિધ પગલાઓની વાત કરતા પનીરસેલ્વમે કહ્યું હતું કે, તેમની સરકારે પહેલાથી જ યુનિટના પાણી પુરવઠા અને વીજ પુરવઠાને કાપી નાંખવા સત્તાવાળાઓને આદેશ આપી દીધો છે. તમિળનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હાલમાં જ નવમી એપ્રિલ ૨૦૧૮ના દિવસે તેના ઓર્ડરમાં સ્ટરલાઈટ પ્લાન્ટને ઓપરેટ કરવાની મંજુરી રિન્યુ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પ્રાથમિક મંજુરી વગર ઓપરેશન ફરીથી શરૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. વોટર એક્ટ ૧૯૭૪ની કલમ ૧૮(૧)(બી) હેઠળ મોટાપાયે વિરોધ પ્રદર્શન બાદ આ આદેશ  કરવામાં આવ્યો છે. વેદાંતા લિમિટેડના યુનિટ તરીકે સ્ટરલાઇટ કોપર છે. જે ૪૦૦૦૦૦ ટન પ્રતિવાર્ષિક ક્ષમતા પ્લાન્ટ ધરાવે છે. અત્રે નોંધનીય છે કે, તમિળનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ કોપર યુનિટની સામે ચાલી રહેલા પ્રદર્શને ૨૨મી મેના દિવસે હિંસક વળાંક લઇ લીધો હતો. આ પ્રદર્શનમાં ૧૩થી વધુ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા. સ્ટરલાઇટથી થનાર પ્રદૂષણને ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો છેલ્લા ઘણા મહિનાથી સ્ટરલાઈટ કોપર યુનિટનો વિરોધ કરી રહ્યા હતા.  મદ્રાસ હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટરલાઈટ કોપર યુનિટને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. યુનિટને બંધ કરવાની માંગણી કરીને વિરોધ કરી રહેલા લોકો ૨૨મી મેના દિવસે એકાએક હિંસક બન્યા હતા.  લોકોએ પોલીસના અનેક વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસે સ્થિતિ બગડવાની સ્થિતિને ધ્યાનમાં લેતા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં ૨૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. નારાજ થયેલા લોકોએ અનેક વાહનોને આગચાંપી દીધી હતી. બીજી બાજુ પ્લાન્ટના વિસ્તારની સામે શહેરના જુના બસ સ્ટેન્ડમાં લોકોએ શાંતિપૂર્ણરીતે દેખાવો કર્યા હતા. તમિળનાડુ સરકારે પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવારના સભ્યોને ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.  સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ ઘટના માટે તપાસ માટે આદેશ કરી દીધા હતા. આના માટે એક પંચની પણ રચના કરવામાં આવી હતી. અહીં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે લોકો ૧૦૦ દિવસથી પણ વધુ સમયથી દેખાવો કરી રહ્યા હતા. આખરે તમિળનાડુમાં સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાની માંગણી કરી રહેલા લોકોની જીત થઇ છે.

(7:33 pm IST)