Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

બાળક બેઠું હતું ને એરપોર્ટ ઉપર 'લગેજ બેલ્ટ' ચાલુ થઇ ગયો! સૌના જીવ ઊંચા! અંતે બાળક હેમખેમ !

નાના બાળકોને લઇને વિમાનમાં જતા દરેક માતા-પિતાએ ચેતવા જેવું: દિલ્હી એરપોર્ટ ઉપરનો બનાવ

રાજકોટ તા.૨૮: ગુજરાત સહિત સમગ્રભારતમાં ઉનાળાના વેકેશન માં ફરવા જવા માટે પસંદગીના ડેસ્ટીનેશન્સ ઉપર સહેલાણીઓનો અભુતપૂર્વ ઘસારો જોવાઇ રહયો છે. સહેલાણીઓને આકર્ષવા વિવિધ એરલાઇન્સ વચ્ચે પણ તિવ્ર સ્પર્ધા ચાલી રહી છે, જેનો સીધો લાભ લોકો સુધી પહોંચી રહયો છે. દિવસે-દિવસે સમગ્ર ભારતમાં ફલાઇટમાં ટ્રાવેલ કરવાવાળા લોકોને સંખ્યા ઉતરોતર વધી રહી છે. ત્યારે નાના બાળકો સાથે ફલાઇટમાં મુસાફરી કરતા માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો તા. ૨૫-૦૫ને શુક્રવારના રોજ દિલ્હી એરપોર્ટ ઉપર બન્યો હોવાનુ઼ આધારભુત વર્તુળો દ્વારા સંભળાળ રહયું છે. ચર્ચાતી વિગતો મુજબ બાળક ની માતા બોર્ડીગ પાસ લેતી વખતે (ચેક ઇન દરમ્યાન) લગેજ મુકવામાં કે પછી અન્ય કોઇ કારણોસર બાળક ઉપર ધ્યાન ન આપી શકયા અને બાળક સ્થિર રહેલા બેલ્ટ (કાર્ગો બેલ્ટ) ઉપર બેઠું હતું. કદાચ બાળકની માતાએ પણ ચેકઇન કરાવવાની ઉતાવળમાં બોર્ડીગ પાસ કાઉન્ટર પાસે બાળકને લગેજ બેલ્ટ ઉપર મુકી દીધુ હોઇ શકે અને બાળક રમતંુ-રમતું આગળ નિકળી ગયું હોય. અચાનક લગેજ બેલ્ટ શરૂ થયો અને બાળક લગેજ બેલ્ટની ઉપર બેઠુ હોવાથી આગળ જવા માંડયું. કાર્ગો લગેજ માટે સિકયુરીટી સ્કેનર પાસે બાળક પહોંચતા તથા લગેજ બેલ્ટ નીચેની તરફ સરકતો હોય બાળક ઉપર એરપોર્ટ (એરલાઇન્સ) કર્મચારીનું ધ્યાન પડતા તુરત જ ઇમરજન્સી બટન પ્રેસ કરતા બેલ્ટ રોકાઇ ગયો હતો. અને બાળક હેમખેમ રહયું હતું. બાળકની સાથે રહેલા તેના માતા અને દાદી અથવા નાની આંખમાં આંસુ, આઘાત, ભય અને અંતે હર્ષની લાગણી સાથે બાળકને વળગી પડયા હતા. થોડીવાર માટેતો સમગ્ર એરપોર્ટ ઉપર દોડાદોડી થઇ પડી હતી.

કદાચ લગેજ બેલ્ટ થોડીક વધારે આગળ ચાલ્યો હોતતો બાળક ઘણું નીચે તરફ સરકી જાત અને ગંભીર ઇજા પહોંચવાની શકયતા નકારી ન શકાય. સિકયુરીટી સ્કેનરમાં પણ જો બાળક જતુ રહેત તો સ્કેનરની અંદર હાઇ ફ્રીકવન્સીવાળા અલ્ટ્રાવાયોલેટ રેઇઝ ને કારણે પણ ગંભીર બિમારીનો ભોગ બનવાની શકયતા રહે.

 આવા ન ધારેલા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે દરેક માતા-પિતાએ એરપોર્ટ ઉપર સાવચેત રહેવું જરૂરી છે. નેટ-ચેટ-મેસેજ-વોટ્સએપ-વિડીયો કોલીંગ સહિતની સુવિધા વાળા સ્માર્ટફોનનો ઉપયોગ પણ જરૂરીયાત મુજબ કરી શકાય.

(4:07 pm IST)