Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વિશ્વમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માટે ભારત સૌથી ખતરનાક દેશ :2017માં 29 આરએફઓના મોત

વિશ્વમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) માટે ભારત સૌથી ખતરનાક દેશ હોવાના આંકડા બહાર આવ્યા છે ભારતનાં જંગલોની રક્ષણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિરર્સ તેમનું જીવન હોમી દે છે અને જીવ પર આવી દેશની જૈવિક સંપદાનું રક્ષણ કરે છે.

    ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશનનાં આંકડા મુજબ, 2017ના વર્ષમાં ભારતમાં 29 રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સના મોત થયા હતા. જેમાં રેન્જર્સની હત્યાઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વનાં કોઇ પણ દેશોમાં આટલા મોટા પ્રમાણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનીં એક વર્ષમાં હત્યાં થઇ નહોતી. આંકડાઓ પરથી ખ્યાલ આવશે કે, ફોરેસ્ટમાં ફ્રન્ટલાઇન પર કામ કરતાં કર્મચારીઓની જિંદગી કેટલી જોખમમાં હોય છે.

2012થી 2017નાં વર્ષ દરમિયાન ભારતમાં 162થી લઇને 526 રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનાં મોત (હત્યા) થયાં હતા. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનીં હત્યાઓ કોઇ દેશમાં જોવા મળી નથી.

   ભારત દેશમાં જંગલોનું રક્ષણ કરતા કર્મચારીઓ માટે પોચીગ કરતા લોકો, ગેરકાયદે ખનન કરતા ખાણ માફિયાઓ, લાકડા-ચોરોથી સૌથી વધારે ખતરો રહે છે. ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ બધી સમસ્યાઓનો સામનો કરી આપણા દેશના જંગલો, વન્ય-પ્રાણીઓ, નદીઓ, તળાવો અને અન્ય કુદરતી સંપદાનું જીવનાં જોખમે રક્ષણ કરે છે.

   રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ જે કામ કરે છે તે દેશની ઇકોલોજી અને ઇકોનોમીને સુરક્ષિત રાખે છે અને તે ખુબ મહત્વનું છે. કેમ કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ જે જંગલોનું રક્ષણ કરે છે તે, ભારત દેશનાં 11.25 ટકા ગ્રીનહાઉસ ગેસને શોષી લે છે. જો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તેની ગણતરી કરવામાં આવે તો, ઇકો સર્વિસનું મુલ્ય રૂ 6 લાખ કરોડને આંબે છે.

    એક અભ્યાસ મુજબ, આપણી ઇકો સર્વિસનું આટલુ મોટુ યોગદાન હોવા છતાં, દેશ ભરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ નકામા થઇ ગયેલા હથિયારોથી કામ ચલાવે છે, તેમને બચાવવા માટે કોઇ ઇમરજન્સી સર્વિસ નથી અને તેમના કામની કોઇ કદર નથી.

ફોરેસ્ટમાં કામ કરતી વખતે વન્ય-પ્રાણીઓ દ્વારા થતા આકસ્મિક મૃત્યુનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં , નાગરહોલ ટાઇગર રિઝર્વનાં ફીલ્ડ ડીરેક્ટર એસ. મનીકંદનનું મોત થયુ હતુ. જંગલમાં આગ લાગી હતી ત્યારે તેઓ ત્યાં હાજર હતા અને હાથીએ તેમને કચડી નાંખ્યા હતા અને તેમનું મોત થયું હતું.

ઇન્ટરેશનલ ફોરેસ્ટ ઓફિસરનાં આકંડાઓ મુજબ, વિશ્વભરમાં દર અઠવાડીયે બે થી ત્રણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનાં તેમની ફરજ દરમિયાન મોત થાય છે. પર્યાવરણ અને જંગલને લગતાં સંઘર્ષો દિવસે અને દિવસે વધતા જાય છે. (ઇન્ડિયાસ્પેન્ડમાંથી સાભાર)

(2:51 pm IST)