Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લોકસભાની ચાર, વિધાનસભાની ૧૦ સીટ ઉપર શાંતિપૂર્ણ મતદાન

બંગાળ પેટાચૂંટણીમાં ૭૦ ટકાથી પણ વધુ મતદાન થયું : કૈરાના સીટના પરિણામ પર તમામની નજર હશે : ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર વેળા તમામ તાકાત લગાવાઈ હતી : ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં

નવી દિલ્હી,તા. ૨૮ : લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ સીટો ઉપર પેટાચૂંટણી માટે આજે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. રાજકીયરીતે મહત્વપૂર્ણ કૈરાના સીટ ઉપરાંત મહારાષ્ટ્રના ભંડારા-ગોંડિયા, પાલઘર સંસદીય સીટ ઉપરાંત નાગાલેન્ડની એક લોકસભા સીટ ઉપર મતદાન થયું હતું. વિધાનસભાની ૧૦ સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં પલુસ કાદેગાંવ (મહારાષ્ટ્ર), નુરપુર (યુપી), જોકીહાટ (બિહાર), ગોમિયા અને સિલ્લી (ઝારખંડ), ચેંગાનુર (કેરળ), અપપતિ (મેઘાલય), સહાકોટ (પંજાબ), ખરાલી (ઉત્તરાંખડ), મહેશતલા (પશ્ચિમ બંગાળ)માં પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે ઉંચુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળની બેઠક ઉપર ૭૦.૧ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે પંજાબમાં ૬૯ ટકા, નુરપુરમાં ૫૭ ટકા, શાહકોટમાં પણ ઉંચુ મતદાન થયું હતું. અગાઉ લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણી માટે આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૃઆત થઇ હતી. મતદાનને લઇને કેટલીક જગ્યાએ શરૃઆતી કલાકોમાં જ લાંબી લાઇન લાગી હતી. આ તમામ બેઠકોની પેટાચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ઉત્સુકતા રહી હતી. કૈરાના ઉપરાંત મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયા અને પાલઘર સંસદીય  સીટ તેમજ નાગાલેન્ડની એક સીટ માટે મતદાન થયું હતું. નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા કૈરાનાની ચૂંટણીને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર કરીને કૈરાનામાં સ્થિતિ સુધારવાના પ્રયાસ કર્યા હતા. ભાજપ સંયુક્ત વિપક્ષ સામે મેદાનમાં છે. લખનૌના પાટનગરથી ૬૩૦ કિલોમીટરના અંતરે સ્થિત અહીં લોકસભા વિસ્તારમાં વિધાનસભાની પાંચ બેઠકો આવે છે જેમાં સામલી, થાણા ભવન, કૈરાનાનો સમાવેશ થાય છે. ગંગોહ અને નાકુરની સીટ પણ અહીં આવેલી છે. અહીં ૧૭ લાખ મતદારો છે જેમાં મુસ્લિમો, જાટ અને દલિત મતદારો સૌથી વધુ છે. આ સીટ ભાજપના સાંસદ હુકમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી જ્યાં હુકમસિંહની પુત્રી મૃગાંકાસિંહ ભાજપના ઉમેદવાર તરીકે છે. જ્યારે આરએલડીમાં તબ્બસુમ હસન ઉમેદવાર છે.  આ બન્ને ઉમેદવારના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. શાસક ભાજપે તમામ તાકાત લગાવી દીધી હતી. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્ય સરકારે જોરદાર ચૂંટણી પ્રચાર કરીને સ્થિતિ સુધારવાના પ્રયાસ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય દ્વારા પણ સહારનપુર અને સામલીમાં પ્રચારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપે કૈરાના માટે પાંચ રાજ્યપ્રધાનોને પણ પ્રચારમાં ઉતાર્યા હતા.મહારાષ્ટ્રમાં લોકસભાની બે સીટની પેટાચૂંટણી  માટે પણ આજે મતદાન શરૃ કરવામાં આવ્યુ હતુ.  શિવસેનાએ ભાજપના સ્વર્ગસ્થ નેતા ચિંતામણ વાનાગાના પુત્ર શ્રીનિવાસ વાનાગાને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ પાલઘરમાંથી મેદાનમાં છે. શિવસેના  તરફથી ઉદ્ધવ ઠાકરે દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવી દીધી હતી. પાલઘરની પેટાચૂંટણી આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વર્તમાન ભાજપના સાંસદ ચિંતામણના અવસાનના કારણે યોજાઈ છે. આજે મતદાન શરૃ થયા બાદ ભંડારા-ગોંડિયામાં ૧૮ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પાલઘરમાં સાત ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.કુલ ૩૪૯૧૨૧૮ મતદારો પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક હતા. પાલઘરમાં ૧૪ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા હતા.

(8:17 pm IST)