Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

બંગાળની ખાડીમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે ચોમાસુ : કાલે કેરળમાં આગમન?

એકાદ - બે દિવસમાં ગતિ પકડશે : એક સપ્તાહમાં પૂર્વોત્તર રાજયોમાં એન્ટ્રી : કેરળમાં નિર્ધારીત સમયે આગમન થશે તો ઉત્તર ભારતમાં પણ વ્હેલુ પહોંચી જશે : હવામાન નિષ્ણાંતોની વેઈટ એન્ડ વોચ

નવી દિલ્હી, તા. ૨૮ : બંગાળની ખાડીમાં ચોમાસુ સક્રિય તો થઈ ગયુ છે, પરંતુ તેની ગતિ ધીમી છે. ચોમાસુ ધીમી ગતિએ કેરળ તરફ આગળ ધસી રહ્યુ છે. જયારે હવામાન વિભાગે નિર્ધારીત સમયના ત્રણ દિવસ અગાઉ ચોમાસુ કેરળ પહોંચવાની ભવિષ્યવાણી કરી છે.

સામાન્ય રીતે મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ ચોમાસુ બંગાળની ખાડીમાં સક્રિય બની જાય છે. પરંતુ આ વખતે થોડો વધુ સમય લાગ્યો. ૨૫મીએ શ્રીલંકામાં ચોમાસુ પહોંચી જાય છે પણ આ વર્ષે ૨૭મીએ શ્રીલંકા પહોંચ્યુ હતું. જેથી ચોમાસાની ગતિ ધીમી માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે ૨૯મીએ ચોમાસુ કેરળમાં પહોંચી જશે તેમ કહ્યુ છે પણ સામાન્ય રીતે ૧ જૂને પહોંચે છે.

હવામાન વિભાગના ડાયરેકટર કે. જે. રમેશએ કહ્યું કે ચોમાસુ મોડુ સક્રિય થયુ છે પરંતુ તેનો મતલબ એ નથી કે તે કેરળમાં પણ મોડું પહોંચે. એકાદ - બે દિવસમાં ચોમાસાની ગતિમાં વધારો થાય તેવો અંદાજ છે. એક અઠવાડીયામાં મોન્સૂનનું પૂર્વોત્તર રાજયોમાં દસ્તક દઈ દેશે.

ઉત્તર ભારતમાં ચોમાસુ પહોંચવામાં ૧ મહિનાનો સમય બાકી છે પરંતુ જો કેરળમાં નિર્ધારીત સમય પહેલા પહોંચી જાય તો તેની ગતિ પણ વધી શકે છે તો ઉ. ભારતમાં પણ વ્હેલુ પહોંચે તેવા ચક્રો ગતિમાન છે. હવામાન વિભાગ કહે છે કે કેરળમાં જયા સુધી ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી કંઈ કહેવુ શકય નથી.(૩૭.૩)

(12:10 pm IST)