Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સીટો પુરતી નહીં મળે તો માયા એકલા હાથે લડશે

માયાવતીના સંકેતથી નિરાશા

લખનૌ,તા. ૨૭ : બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ જાહેરાત કરી છે કે, જો તેમના ગઠબંધનમાં પુરતી સીટો મળશે નહીં તો તેઓ સમજૂતિ કરવાના બદલે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું પસંદ કરશે. આજે લખનૌમાં બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન માયાવતીએ એન્ટી ભાજપ ફ્રન્ટની રચનાથી પહેલા જ પોતાના પાર્ટીના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. માયાવતીએ આ ગાળા દરમિયાન પોતાના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, યુપીની પાર્ટીઓથી ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે પરંતુ કાર્યકરો દરેક સ્થિતિ માટે તૈયાર છે. જો ગઠબંધનમાં પુરતી સીટો નહીં મળે તો એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવશે. આ ગાળા દરમિયાન માયાવતીએ ઇશારામાં સંકેત આપ્યો હતો કે, તે પાર્ટીનું અંકુશ પોતાના હાથમાં રાખવા માટે ઇચ્છુક છે. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, આગળ ચાલીને જ્યારે પાર્ટી પ્રમુખ વધતી વયના કારણે વધારે ભાગદોડ કરવામાં અસમર્થ થઇ જાય ત્યારે પણ રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા અદા કરશે. માયાવતીએ પોતાની પાર્ટીમાં સ્વાર્થી અને તકવાદી નેતાઓ દ્વારા પોતાના ઘરવાળાને પાર્ટીમાં પ્રમોટ કરવાને લઇને પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. માયાવતી વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં બિલકુલ ફ્લોપ રહ્યા હતા અને તેમની પાર્ટીને કોઇ સીટ મળી ન હતી.

(12:00 am IST)