Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

બેંકિંગ વ્યવસ્થામાં સુધારાની તીવ્ર જરૂર છે : નીતિશકુમાર

નોટબંધીના મુદ્દા ઉપર પણ એકાએક ગુંલાટ : નોટબંધીના ભારે સમર્થક તરીકે હતા પરંતુ આનાથી ફાયદો કેટલા લોકોને થયો તેવો મુખ્યમંત્રી નીતિશકુમારનો પ્રશ્ન

પટણા,તા. ૨૭ : કેન્દ્રની એનડીએ સરકાર નોટબંધીના નિર્ણયને લઇને હંમેશા પ્રશંસા કરતી રહી છે પરંતુ હવે તેમના સાથીઓ પૈકીના એક સાથી પક્ષે નોટબંધીને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. કોઇ સમયે નોટબંધીને લઇને જોરદાર સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે આની નિષ્ફળતા માટે બેંકોને જવાબદાર ઠેરવી છે. નિતીશકુમારનું કહેવું છે કે, બેંકોની ભૂમિકાના કારણે નોટબંધીનો જેટલો લાભ લોકોને મળવાની જરૂર હતી તેટલો લાભ મળી શક્યો નથી. નીતિશે કહ્યું હતું કે, તેઓ હંમેશા નોટબંધીના સમર્થક રહ્યા છે.  કેટલાક લોકોને ફાયદો પુરતીરીતે મળી શક્યો નથી. કેટલાક લોકો પોતાના પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં સફળ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની પ્રગતિમાં બેંકોની મોટી ભૂમિકા રહેલી છે. બેંકોનું કામ માત્ર જમા, ઉપાડ અને લોન આપવા સુધી મર્યાદિત નથી. બલ્કે એક એક યોજનામાં બેંકોની ભૂમિકા વધી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બિહારના લોકોમાં લોન લેવાની વધારે ટેવ નથી. જે લોકો લોન લેવા ઇચ્છુક છે તેમાં બેંકોએ કઠોર માપદંડ રાખ્યા છે જેના કારણે ખુબ તકલીફ થઇ રહી છે. નીતિશે કહ્યું હતું કે, બેંકિંગ સેક્ટરમાં સુધારાની તાત્કાલિક જરૂર દેખાઈ રહી છે. નાના લોકોને લોન આપવાને લઇને બેંકો કઠોર વલણ અપનાવે છે જ્યારે શક્તિશાળી લોકોને લોન આપવામાં ઉદાર વલણ અપનાવામાં આવે છે. આ લોકો લોન લઇને ગાયબ થઇ જાય છે. બેંકિંગ સિસ્ટમમાં સુધારાની તાકિદની જરૂર દેખાઈ રહી છે. નીતિશકુમાર પટણામાં રાજ્યસ્તરીય બેંકર્સ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, દેશના વિકાસ માટે જે રકમ સરકાર ઉપલબ્ધ કરાવે છે તેની યોગ્ય ફાળવણી માટે બેંકોને પોતાની વ્યવસ્થા વધારે મજબૂત કરવી પડશે. બેંકિંગ સંસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂર હાલમાં છે.

(8:16 pm IST)