Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કાચા માલની કિંમતો વધવાથી દવા ઉત્પાદન ખર્ચમાં પ થી ર૦ ટકાનો વધારો

નવી દિલહી તા. ર૮ :.. દેશમાં કાચા માલની કિંમતો વધવાથી આગામી દિવસોમાં તેના ભાવમાં પણ વધારો થવાના અણસાર દેખાવા લાગ્યા છે. ઉદ્યોગ જગતના સુત્રો પાસેથી માહિતી મળી છે કે પેરાસીટામોલ જેવી દવાના કાચા માલના ભાવમાં લગભગ ર૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

દવા ઉત્પાદન સાથે સંકળાયેલા ધંધાર્થી અનુસાર, વીટામીન, તાવ, શરદી, બીપી, સુગર જેવી દવાઓના કાચા માલના ભાવ આ મહિને લગભગ પ થી ર૦ ટકા સુધી વધી ગયા છે. આની પાછળનું કારણ જણાવતા તેમણે કહયું કે અમુક દવાઓની જરૂરીયાત કોરોનાના કારણે વધી છે તો બાકીની જરૂરી દવાઓ લોકો લોકડાઉન જેવી પરિસ્થિતિના ભયના લીધે પહેલાથી સંગ્રહ કરી લેવા માંગે છે તેના લીધે માંગ વધી ગઇ છે. માંગ વધવાના કારણે ઉત્પાદકોએ કાચો માલ મોટા પાયે ખરીદવો પડે છે. માંગ અને સપ્લાયનું સમીકરણ બગડવાના કારણે ભાવો વધવાના શરૂ થઇ ગયા છે.

કાચો માલ મોંઘો થવાની સાથે સાથે દવાઓના પેકીંગમાં વપરાતી વસ્તુઓના ભાવો પણ વધી રહ્યા છે. દવા ઉદ્યોગ ભાવનિયંત્રક ઓથોરીટી એટલે કે એનપીપીએ સાથે સંપર્ક કરીને આ બાબતે હસ્તક્ષેપની માંગણી કરવા અંગે વિચાર કરી રહયો છે. જેથી મહામારીની આ પરિસ્થિતિમાં લોકો પર મોંઘી દવાઓનો બોજ ન પડે.

(3:35 pm IST)