Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા શહેરી વિસ્તારમાં 'મીની લોકડાઉન': રાત્રી કર્ફયુ પણ પણ પાંચમી મે સુધી યથાવત

રાજકોટમાં દુકાનો-બજારો સજ્જડ બંધ : સ્વૈચ્છિક નહિ, આદેશથી બંધ

મુખ્ય બજારો-દૂકાનો-વેપાર ધંધા સવારથી જ બંધઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનલોક-૧૧ જાહેરનામામાં સુધારો કરી નવા આદેશ કર્યાઃ શું શું ખુલ્લું રાખી શકાશે, શું શું બંધ રાખવાનું? રાત્રી કર્ફયુમાં કોને કોને છુટ એ વિગતો જાણી લો : કર્ફયુમાં અનિવાર્ય સંજોગોને લીધે બહાર નિકળેલા વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે : તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશેઃ જો કે દૈનિક પૂજાવીધી ધાર્મિક સ્થાનકોના સંચાલકો કે પૂજારી કરી શકશે

આંશિક લોકડાઉનનો આરંભઃ રાજકોટની તમામ બજારો સવારથી જ જડબેસલાક બંધઃ પોલીસે માઇકથી સુચનો આપ્યાઃ ફૂટ પેટ્રોલીંગ કર્યુ : ના ના કરતાં અંતે બંધ થયું: રાજકોટ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટાડવા, ચેઇન તોડવા તંત્ર કામે લાગ્યું છે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આજથી પાંચમી મે સુધી શહેરના તમામ વેપાર-ધંધા-દૂકાનો-મોલ સહિત બધુ (આવશ્યક સેવા સિવાયનું) બંધ રાખવા જાહેરનામુ બહાર પાડતાં સવારથી જ અધિકારીઓ પોત પોતાના વિસ્તારમાં આંશિક લોકડાઉનનો અમલ કરાવવાની ફરજમાં જોડાઇ ગયા હતાં. શહેરના યાજ્ઞિક રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, સરદારનગર મેઇન રો, ગુંદાવાડીની મુખ્ય બજારો સવારથી જ બંધ રહી હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. દેવપરા શાક માર્કેટ ચોકમાં એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે. ડી. ઝાલા અને સ્ટાફ ચર્ચા કરતાં દેખાય છે.  બીજી તસ્વીરમાં ખુલ્લી દૂકાન બંધ કરાવતાં પોલીસ કર્મચારીઓ તથા સોૈથી છેલ્લી તસ્વીરમાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા અને ટીમે રૈયા રોડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કર્યુ તે જોઇ શકાય છે. ગુંદાવાડીમાં પોલીસવેનમાં માઇકથી આગામી પાંચમી સુધી વેપાર ધંધા બંધ રાખવા સુચનો કરાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: કોરોના મહામારીની બીજી લહેરનો કહેર એટલો વધી ગયો છે કે શહેરના વેપારીઓ-અલગ અલગ વિસ્તારના રહેવાસીઓ પોતાની રીતે સ્વૈચ્છીક રીતે અમુક દિવસો સુધી અડધો દિવસ કે આખો દિવસ બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવામાં તંત્રને સહાયરૂપ થવા પ્રયાસ કરતાં હતાં. પરંતુ હવે આજથી રાજકોટમાં બધુ આદેશથી બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનલોક-૧૧ના જાહેરનામામાં સુધારા કરી નવું જાહેરનામુ બહાર પાડ્યું છે. તે મુજબ આગામી પમી મે સુધી રાજકોટ શહેરમાં તમામ વેપાર-ધંધા-મોલ-ચા-પાનની દૂકાનો, લારીઓ, ગલ્લાઓ તેમજ તમામ ધાર્મિક સ્થાનો સદંતર બંધ રાખવાના રહેશે. શહેરમાં આજે સવારથી મોટા ભાગની મુખ્ય બજારો, મોલ, સિનેમા હોલ ખોલવામાં આવ્યા નહોતાં. સવારથી ધમધમતા મુખ્ય બજારોના રસ્તા પણ ખાલી ખાલી જોવા મળ્યા હતાં.

પોલીસ કમિશનશ્રી અગ્રવાલે નવું જાહેરનામુ બહાર પાડ્યું છે તેમાં શું શું ખુલ્લું રાખી શકાશે અને શું શું બંધ રાખવાનું? કયા નિયમોનું પાલન કરવાનું? કર્ફયુમાં કોને છુટછાટ રહેશે? તેની વિગતો  આપવામાં આવી છે. જે આ મુજબ છે.

જાહેરનામામાં જણાવાયું છે કે પમી મે સુધીના સમયગાળા દરમ્યાન રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફયુ યથાવત રહેશે. આ સમયગાળા સુધીમાં લોકો ઘરની બહાર નીકળી નહી શકે.

શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તમામ આર્થિક, વ્યાપારીક પ્રવૃતિઓ જેવી કે, દુકાનો, વાણીજયક સંસ્થાઓ, રેસ્ટોરન્ટસ (ટેક અવે સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્ષ અઠવાડીક ગુજરી બજાર, હાટ, શૈક્ષણીક સંસ્થાઓ, કોચીંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય), સીનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજન સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમીંગ પુલ, ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.

તમામ માર્કેટીંગ યાર્ડ, તમામ માર્કેટ બંધ રહેેશે. એપીએમસીમાં શાકભાજી અને ફળફળાદીનું ખરીદ વેંચાણ ચાલુ રહેશે. જે દરમ્યાન કોવિડ-૧૯ સંબંધી સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્ત્।મ પ૦ વ્યકિતઓની મંજુરી રેહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

અંતિમ ક્રિયા, દફન વિધી માટે ર૦ વ્યકિતઓ જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી કોર્પોરેશન બેંક, ફાયનાન્સ ટેક સંબંધીત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન, બેન્કોનું કલીયરીંગ હાઉસ, એટીએમ, સીડીએમ રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સુરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ૦ સુનિશ્ચિત કરવાની રહેશે. આ નિયમ આવશ્યક સેવાઓને લાગુ પડશે નહી.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતીક, શૈક્ષણીક કાર્યક્રમો મેળાવળા સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને સ્ડીયમમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. જો કે દૈનિક પૂજાવીધી ધાર્મિક સ્થાનકોના સંચાલકો કે પૂજારીએ કરવાની રહેશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ની કેપેસીટીથી ચાલુ રાખી શકાશે. અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ સંબંધી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. દરેકે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમનું પાલન કરવાનું રહેશે.

 શાકભાજી અને ફળફળાદી સીવાયની તમામ માર્કેટો બંધ રાખવાનો આદેશ થયો છે. જો કે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાન જેમ કે કરિયાણું કે દૂધની ડેરી વગેરે ચાલુ રાખી શકાશે. શાકમાર્કેટો પણ ચાલુ રાખી શકાશે.

  • સવારે ૬ થી સાંજે ૮ સુધી આટલી સેવાઓ અને પ્રવૃતિ ચાલુ રાખી શકાશે

રાત્રી કર્ફયુ સિવાયના એટલે કે સવારના ૬ થી સાંજના ૮ સુધીના સમય દરમ્યાન કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. જેમાં મેડીકલ, પેરામેડીકલ અને તેને આનુસંગીક આરોગ્યલક્ષી સેવાઓનો સમાવેશ થાય છે. ઓકિસજનના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાપન ચાલુ રહેશે. ડેરી, દુધ, શાકભાજી, ફળફળાદી, ઉત્પાદન વિતરણ અને તેના વેંચાણ અને તેના વેંચાણ ઉપરાંત હોમ ડીલીવરીની સેવાઓ પણ ચાલુ રહેશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ પણ ચાલુ રાખી શકાશે. રાત્રી કર્ફયુ સીવાયના સમય ગાળા દરમિયાન કરીયાણુ, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેંચાણ અને તે વેંચવા માટેની ઓનલાઈન તમામ સેવાઓ ચાલુ રાખી શકાશે. ઘરગથ્થુ ટીફીન સર્વીસીસ, હોટલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસેલીટી આપતી સેવાઓ ચાલુ રાખી શકાશે. ઈન્ટરનેટ, ટેલીફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, આઈટી અને તેને સંબંધીત સેવાઓ, પ્રિન્ટ, ઈલેકટ્રોનીક મીડીયા, ન્યુઝ પેપેર ડ્રીસ્ટ્રીબ્યુશન સહિતની સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ પંપો તેના ટ્રાન્સપોર્ટેશન, ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ કુરીયર સેવાઓ, આંતરરાજય, આંતર જીલ્લા, આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ ઉપરાંત ઈ-કોમર્સને લગતી સેવાઓ, બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે.

  • રાત્રી કર્ફયુમાં કોને કોને છુટ મળી એ પણ જાણો

રાત્રી કર્ફયુ દરમ્યાન બિમાર વ્યકિત, સગર્ભાઓ, અશકત વ્યકિતઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર-જવરની છુટ રહેશે. રેલ્વે, એસટી કે એરપોર્ટના મુસાફરોને ટીકીટ બતાવવાથી અવર-જવરની પરવાનગી રહેશે. રાત્રી કર્ફયુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓએ પોતાનો ઓળખ પત્ર, ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કરી અવર-જવરની પરવાનગી રહેશે. જાહેરનામામાં તાકીદ કરવામાં આવી છે કે અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

  • પાન-ફાકીના બંધાણીઓ ફરીથી મુંજાયાઃ 'સ્ટોક' ભેગો કરી લેવા દોડાદોડીઃ ચાના થડાઓ-હોટલો પણ બંધ

રાજકોટઃ શહેરમાં ગયા વર્ષેકોરોનાને કારણે આવી પડેલા ઓચીંતા લોકડાઉનને લીધે પાન-ફાકી-તમાકુના બંધાણીઓ અને દારૂના બંધાણીઓમાં દોડધામ મચી ગઇ હતી. કાયમી આદત ધરાવનારાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. છાનેખુણે ફાકી-તમાકુના તો બેફામ કાળાબજાર પણ થયા હતાં. અમુક કલાકો સુધી પાન-મસાલાની એજન્સીઓ ખુલી રખાઇ હતી એ દૂકાનો પર પણ બંધાણીઓ પોતાનો કવોટો એકઠો કરવા મોટી સંખ્યામાં પડાપડી કરવામાં માંડતા પોલીસ બોલાવવી પડી હતી. આ વખતે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો નથી. પરંતુ રાજકોટમાં જેનું સોૈથી વધુ ચલણ છે એવી પાન-ફાકીની દૂકાનો અને ચાના સ્ટોલ ઓચીંતા જ આગામી પાંચમી મે સુધી બંધ કરી દેવામાં આવ્યા હોઇ બંધાણીઓ મુંજાઇ ગયા છે. જેને રાતે ખબર પડી ગઇ હતી તેમણે રાતોરાત પાંચમી સુધીનો પાન-મસાલા-તમાકુ-સોપારીનો કવોટો એકઠો કરવા વ્યવસ્થા ગોઠવી લીધી હતી.  અમુક વેપારીઓ કે જેમને આજથી દૂકાનો બંધ રાખવાની છે એવી ખબર નહોતી તેઓ સવારે પાન-ફાકીની દૂકાનો ખોલીને બેસી ગયા હતાં. લોકોએ ત્યાંથી વધુ માલ ખરીદી લીધો હતો. હાલ તો પાંચમી મે સુધી શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં બધુ બંધ રાખવાનો આદેશ છે. આ જાહેરનામુ આગળના પાંચમી પછી વધારવામાં આવશે કે કેમ? એ નિર્ણય જે તે વખતે લેવામાં આવશે.

  • અગાઉના લોકડાઉનમાં લોકોની અવર જવર ઉપર પણ પર નિયંત્રણો હતાં એ આ વખતે નથી

.આ પહેલા ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ હતો. ગત સાંજે બહાર પડાયેલા જાહેરનામામા પણ આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ છે. જો કે અગાઉના લોકડાઉનમાં જેમ લોકોની અવર-જવર પર નિયંત્રણો હતા તે આ જાહેરનામામા નથી.

(3:13 pm IST)