Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમેરિકામાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને માસ્ક પહેરવામાંથી મળી મુકિત

અમેરિકાના આરોગ્ય વિભાગે નવી ગાઈડલાઈનમાં વેકસીનના બંને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને વોકિંગ, રનિંગ, ચાલતા જવા દરમિયાન કે બાઈક ચલાવતી વખતે તેમજ ઘરના સભ્યોની સાથે અને નાના ફંકશનોમાં માસ્ક પહેરવામાંથી મુકિત આપી છે : અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૨ ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપી ચૂકયો છેઃ ૨૯ ટકા અમેરિકનોએ વેકસીનનો બીજો ડોઝ લઈ લીધો છે

વોશિંગ્ટન, તા.૨૮: કોરોના સામે વિશ્વના દેશો હજુ જંગ લડી રહ્યા છે, ત્યારે ઈઝરાયલ બાદ હવે અમેરિકાએ તેના નાગરિકોને માસ્ક પહેરવામાંથી આંશિક રાહત આપી છે. અમેરિકાના ફેડરલ હેલ્થ વિભાગના અધિકારીઓએ મંગળવારે જાહેરાત કરી છે કે, જો લોકોએ વેકસીનના બંને ડોઝ લઈ લીધા તેમને વોકિંગ કે રનિંગ કરતી વખતે, પગપાળા જવા દરમિયાન કે બાઈક ચલાવતી વખતે, ઘરના સભ્યોની સાથે હોય ત્યારે કે નાના ફંકશનોમાં માસ્ક પહેરવું હવે ફરજિયાત નથી.

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ હવે લોકોને કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની સલાહ આપવાનું બંધ કરી દીધું છે. ફેડરલ હેલ્થના અધિકારીઓ અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને ગુરુવારે અપડેટેડ સલાહની જાહેરાત કરી. તેની સાથે એ સમાચારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, જેમાં અમેરિકાના મોટાભાગના યુવાનોને ઉનાળા સુધીમાં વેકસીન મૂકાઈ જશે તેમ કહેવાયું હતું અને જલદી સામાન્ય જીવન પાછું આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

જોકે, સીડીસીએ સલામતીના અન્ય પગલાં બાબતે સલાહ પણ આપી હતી. તેણે કહ્યું કે, વેકસીન લેનારા યુવાનોએ માસ્ક પહેરી રાખવું જોઈએ અને આઉટડોર પર્ફોર્મન્સ કે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, ઈન્ડોર શોપિંગ મોલ્સ અને થિયેટર્સમાં છ ફૂટના અંતરના નિયમનું પાલન કરવું જોઈએ કેમકે ત્યાં અન્ય લોકોએ વેકસીન લીધી છે કે નહીં તેની જાણ હોતી નથી. સાથે જ તેમને મધ્યમ અને મોટા મેળાવડા, ભીડવાળી જગ્યાઓ અને હવા-ઉજાસ ઓછા હોય તેવા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વર્જિનિયા ટેકના એરોસોલ સાયન્ટિસ્ટ લિન્સે મર્રએ કહ્યું કે, 'હળવા પ્રતિબંધો સાથેની આઉટડોરમાં માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનને હું આવકારું છું.' તેમણે કહ્યું કે, 'આપણે જાણીએ છીએ કે, બંધિયાર જગ્યાઓ કરતા ખૂલ્લામાં સંક્રમણ ઓછું થાય છે, કેમકે ખૂલ્લી જગ્યામાં વાયરસ રોકાઈ શકતો નથી તે ધીમે-ધીમે નાશ પામે છે.

જોકે, ગાઈડલાઈનમાં માસ્ક પહેરવા અંગે જે-જે સ્થિતિઓ દર્શવાઈ છે તે મૂંઝવણ ઊભી કરી રહી છે. તેમણે કહ્યું કે, 'હું તેને યાદ રાખી શકું તેમ નથી. મારે તેને કાગળ પર લખીને પાસે રાખવી પડશે. મને લાગે છે કે, તે પહેલી નજરે લાગે છે તેટલું મદદરૂપ નહીં બને.

કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, આ નવી ગાઈડલાઈન ઘણી મૂંઝવણ ઊભી કરનારી છે. કેમકે કોણે વેકસીન લીધી છે અને કોણે નહીં તે કઈ રીતે ખબર પડે? માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને ઊભા રાખીને કોણ પૂછશે કે તેમણે વેકસીન લીધી છે કે નહીં?

અમેરિકામાં દ્યણા રાજયો પહેલા જ માસ્કને લઈને કેટલીક છૂટછાટો આપી ચૂકયા છે. ન્યૂયોર્ક જેવા કેટલાક રાજયોએ ઘરમાં અને બહાર કેટલીક સ્થિતિમાં માસ્કમાંથી મુકિત અપાઈ હતી પરંતુ, ભીડ હોય તેવા જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રાખ્યું હતું. જોકે, વેકસીનેશનમાં ઝડપને કારણે હવે પ્રતિબંધો હળવા કરવામાં મદદ મળી છે. અત્યાર સુધીમાં અમેરિકાના ઓછામાં ઓછા ૪૨ ટકા લોકોને વેકસીનનનો પહેલો ડોઝ અપાઈ ચૂકયો છે. જયારે કે, ૨૯ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂકયા છે.

(10:26 am IST)