Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પાંચ કરોડથી ઓછુ ટર્નઓવર હશે તો પણ દર મહિને રિટર્ન ભરવું પડશે

ત્રિમાસિક રિટર્ન ભરવા માટે કાર્યવાહી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ

મુંબઇ,તા. ૨૮ : ગત વર્ષ કરતાં ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ કરોડથી ઓછું ટર્નઓવર હોવા છતાં વેપારીઓ દર ત્રણ મહિનાના બદલે દર મહિને જ રિટર્ન ભરવાની સ્‍થિતિ ઊભી થઇ છે. કારણ કે જીએસટી પોર્ટલ પર માસિક રિટર્નમાંથી ત્રિમાસિક રિટર્નમાં જવા માટેની સુવિધા જ હજુ કાર્યરત કરી નથી. તેના કારણે વેપારીઓએ દર ત્રણ મહિને રિટર્ન ભરવાની સુધિયાથી હાલ  પૂરતું વંચિત રહેવાની નોબત સર્જાઇ છે.

પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીને દર ત્રણ મહિને રિટર્ન ભરવાની છૂટ  આપવામાં આવી છે. લુ નાણાકીય વર્ષમાંઆ  સુવિધાનો લાભ લેવો હોય તે વેપારીએ ૩૦ એપ્રિલ સુધીમાં જીએસટી પોર્ટલ પર જીએસટી નંબર સાથે તેની જાણકારી અપલોડ કરવાની હોય છે. કારણ કે વેપારીઓ દ્વારા જાણકારી આપવામાં નહીં આવે તો સિસ્‍ટમ જાતે જ દર મહિને રિટર્ન ભરવા વેપારી તૈયાર છે તેવી ગણતરી કરી લેતા હોય છે. જોકે, જે વેપારીનું ટર્નઓવર ગત નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦માં પાંચ કરોડથી વધારે હોવાથી તેઓએ ફરજિયાત દર મહિને જ રિટર્ન ભરપાઇ કરવાનું હોય છે. જયારે ચાલુ નાણાકીય વર્ષમાં તેનો વેપાર ઘટી ગયો હોવા છતાં તે ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધાનો લાભ લઇ શકતો નથી. કારણ કે સિસ્‍ટમ દ્વારા આ સુવિધા જ હજુ સુધી કાર્યરત કરવામાં આવી નથી. તેમજ તેનું રજિસ્‍ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ હોવા છતાં હજુ સુવિધા શરૂ નહીં થતા વેપારીઓએ પરેશાની વેઠવાની નોબત સર્જાવાની છે.

કોરોનાના લીધે વેપારીઓનું ટર્નઓવર ઘટયું

કોરોનાના લીધે અનેક વેપારીઓના વેપારમાં ઘટાડો થયો છે. કારણે કે છેલ્લા એક વર્ષથી ધાર્યા પ્રમાણેનો વેપાર નહીં થતા કેટલાય વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડ કરતા ઘટયું છે. કોરોના પહેલા તેઓનું ટર્નઓવર પાંચ કરોડ કરતાં વધુ હોવાથી તેઓ દર મહિને રિટર્ન ભરતા હતા. ટર્નઓવર ઘટયું છતાં ત્રિમાસીક રિટર્ન ભરવાના લાભથી વંચિત રહેવાના છે.

(10:17 am IST)