Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ભારતના કયા શહેરોમાં મળે છે વિશ્વની સૌથી શ્રેષ્‍ઠ કેરી ?

ગુજરાતીઓને આ સીઝનમાં કેરીની નવી વેરાયટીનો સ્‍વાદ માણવા મળશે

નવી દિલ્‍હી,તા. ૨૮: અથાણું, છૂંદો કે રસ કાઢીને અથવા કાચી કેરીનો શબરત બનાવીને કે મીઠું-મરચું ભભરાવીને કાચી કેરી ખાવ કે છાલ કાઢીને મીઠી-મીઠી કેરીનો આનંદ લો. આ ફળ એવું છે જેને ઘણાં બધા પ્રકારે ખાઈ શકાય છે એટલે જ તો એને ફળોનો રાજા કહેવાય છે. સ્‍વાદની સાથે કેરીમાં ગુણ પણ રહેલા છે.

મહારાષ્ટ્રમાં આલ્‍ફાન્‍સો : તમે આલ્‍ફાન્‍સો અથવા હાપુસ નામની કેરી વિશે તો સાંભળ્‍યું જ હશે. આ કેરી મહારાષ્ટ્રના રત્‍નાગિરી, રાયગઢ અને કોંકણ પ્રદેશોમાંથી આવે છે. આ કેરી તેના ગળ્‍યા સ્‍વાદ માટે પ્રખ્‍યાત છે અને ભારતમાં સૌથી વધુ વેચાય છે.

ઉત્તર પ્રદેશમાં દશેરીઃ દશેરી કેરીને મલીહાબાદી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરી ભારતના ઉત્તરના પ્રદેશમાં પ્રખ્‍યાત છે. ઉત્તરપ્રદેશના મલીહાબાદમાં આ કેરીનું સૌથી વધુ ઉત્‍પાદન થાય છે.

ગુજરાતમાં કેસર : ગુજરાતની કેસર દેશ-વિદેશમાં ખૂબ પ્રખ્‍યાત છે. તે તેના અદ્વુત સ્‍વાદ અને રસદાર પલ્‍પ તેમજ સુગંધ માટે પ્રખ્‍યાત છે.

કર્ણાટકમાં તોતાપરી : તોતાપરી એક એવી કેરી છે જેનો સ્‍વાદ ખાટો-મીઠો છે. આ કેરી દક્ષિણ ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કેરીનું અથાણું પણ આવે છે અને તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. તે લીલા રંગની અને ચાંચ જેવી હોય છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળે છે.

બિહારમાં લંગડા : તમે લંગડા કેરી વિશે તો સાંભળ્‍યું જ હશે, આ બિહારમાં ખૂબ પ્રખ્‍યાત છે. લંગડા એટલે કે વિકલાંગ. તે સૌપ્રથમ બનારસમાં એક વિકલાંગ માણસે ઉગાડી હતી. તે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્‍ય પ્રદેશ, ઓડિશા અને પંજાબમાં પણ ઉગાડવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં ચૌંસા : ચૌંસા કેરી ઉત્તર ભારતની સૌથી મીઠી કેરી તરીકે ઓળખાય છે. તેના પીળા રંગ માટે પ્રખ્‍યાત, આ કેરી ખાસ કરીને પાકિસ્‍તાનમાં ઉગાડવામાં આવે છે. તમે તેને ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્‍થાનમાં જોઈ શકો છો.

૧ આશરે ૨૨ વર્ષ બાદ ગુજરાતીઓને ઉનાળામાં કેરીની વધુ એક વેરાયટીનો સ્‍વાદ માણવા મળશે. અત્‍યાર સુધીમાં ગુજરાતના ખેડૂતોએ મોટાભાગે કેસર, આલ્‍ફાન્‍ઝો અને લંગડા કેરીનું વાવેતર કર્યું છે. પરંતુ આણંદ એગ્રીકલ્‍ચર યુનિવર્સિટીએ કેરીની એક નવી જાત- આણંદ રસરાજ વિકસાવી છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે, તે વધારે ઉપજ આપતી અને સારી ગુણવત્તા ધરાવતી કેરી છે. આણંદ રસરાજ તેના સ્‍વાદ, ફળના આકાર તેમજ એક નવી ઉપજના કારણે કેસર કરતાં પણ વધારે સારું માર્કેટ મેળવવાની ક્ષમતા ધરાવે છે તેમ AAUના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું.

(10:37 am IST)