Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બેઘર, મજદુર, અન્યો માટે તમામ વ્યવસ્થા કરવાનો રાજ્યને આદેશ

૨૧ દિવસના લોકડાઉનના ચોથા દિવસે વિવિધ ભાગોમાં પલાયન જારી : તમામ લોકો માટે ભોજન, રહેવા માટે વ્યવસ્થા અને વસ્ત્રોની વ્યવસ્થા કરવા એસડીઆરએફ ફંડનો ઉપયોગ કરવા તમામ રાજ્યોને કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હી, તા. ૨૮ : કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનના ચોથા દિવસે પણ દિલ્હી સહિત તમામ મોટા શહેરોથી બીજા રાજ્યોના મજુરો દ્વારા પલાયન જારી રાખવામાં આવતા આને લઈને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઘર વગરના થયેલા લોકો, પ્રવાસી મજુરો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા તથા સારવારની વ્યવસ્થા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) મારફતે કરવા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકારે આજે સ્પષ્ટ સુચના આપી હતી. તમામ શહેરોથી મજુરોની પલાયનની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર  તરફથી આજે રાજ્યોને આ મુજબનો આદેશ આપ્યો હતો. કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે, એસડીઆરએફ ફંડનો ઉપયોગ કરવામાં આવ તે જરૂરી છે.

          પ્રવાસી મજુરોની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, વસ્ત્રોની વ્યવસ્થા આના મારફતે કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે. લોકડાઉનના ચોથા દિવસે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મુજબની સુચના આપી દીધી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આના માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે આપવામાં આવેલી રકમનો ઉપયોગ કરવા સુચના આપી છે. આ આદેશને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને સુચના આપવામાં આવી છે કે લોકડાઉનના પરિણામ સ્વરૂપે ફસાયેલા પ્રવાસીઓ મજુરો સહિત તમામ બેઘર લોકોને જે રાહત કેમ્પમાં છે તેમના માટે તેમના માટે અસ્થાયી વ્યવસ્થા કરવાની જરૂર છે. સરકાર દ્વારા સ્પષ્ટ પણે સુચના આપી દેવામાં આવી છે.

         ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તએ કહ્યું છે કે, મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને રાહત કેમ્પ બનાવવા સુચના આપી છે. તેમણે કહ્યું છે કે, અમે પ્રવાસી મજુરોના ભોજન અને પાણીની વ્યવસ્થા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુચના આપી છે. સ્વૈચ્છિક લોકો એનજીઓ મારફતે જાગૃતિ ફેલાવવાની પણ વાત કરવામાં આવી છે. બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ફંડ હેઠળ આઠ રાજ્યો માટે વધારાના ૫૫૫૧ કરોડ રૂપિયા મંજુર કરી દીધા છે. આ રાજ્ય ૨૦૧૯ દરમિયાન પુર, ભેખડો ધસી પડવાની ઘટના, તોફાનની સમસ્યાનો સામનો કરી ચુક્યા છે. લોકડાઉનના પરિણામ સ્વરૂપે પરિવહનના સાધનો બંધ છે. બીજા રાજ્યોમાંથી રોજીરોટી માટે અન્ય શહેરોમાં ગયેલા મજુરો અને અસંગઠિત ક્ષેત્રના મજદુરોને એવી ચિંતા સતાવી રહી છે કે, લોકડાઉન દરમિયાન કઈ રીતે તે રહી શકશે. કારણ કે તેમની રોજગારી જતી રહી છે.

          ભુખમરાના ડરથી મોટી સંખ્યામાં મજદુરો જુદી જુદી જગ્યાથી શહેરોમાંથી ચાલતા જ પોતાના ઘર માટે નીકળી ચુક્યા છે. આ પ્રકારની જટીલ સ્થિતિ સર્જાઈ છે. લોકડાઉનનો હેતુ સામાજિક અંતર રાખવાની ખાતરી કરવા માટે કરાયો છે. કોરોના વાયરસનો ફેલાવો વધુ ન થાય તે હેતુસર લોકડાઉની સ્થિતિ કરાઈ છે. પલાયન કરી રહેલા મજદુરો સામે એકબાજુ કોરોના સામે જંગ છે અને બીજી બાજુ ભુખની સામે જંગ છે. મુશ્કેલમાં મુકાયેલ લોકો માટે તમામ રાજ્ય સરકારો દ્વારા હેલ્પ લાઈન નંબરો જારી કરાયા છે. આના પર માહિતી મેળવી શકાય છે. લોકડાઉન દરમિયાન કોઈ પ્રકારની મદદની જરૂર છે સંબંધિત રાજ્યોમાં હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકાય છે.

(7:28 pm IST)