Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સમગ્ર રાત્રી જાગીને ૧૦૦૦ બસની વ્યવસ્થા કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીની તમામ લોકો દ્વારા પ્રશંસા : રાતોરાત બસના ડ્રાઈવરો અને કડંકટરોને મોબાઈલ ફોન પર જાણ કરી દોડાવ્યા : બધા માટે ભોજનની પણ વ્યવસ્થા

લખનૌ, તા. ૨૮ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજા રાજ્યોથી પરત ફરી રહેલા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે રાતોરાત એક હજાર બસની વ્યવસ્થા કરીને તેમને પોતોના નિર્ધારિત સ્થળ પર પહોંચાડી દીધા છે. આ લોકોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે યોગી આદિત્યનાથે શુક્રવારે આખી રાત જાગીને વ્યવસ્થા કરી હતી. શુક્રવાર સવાર થતાની સાથે જ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાંથી યુપી અને બિહારના લોકોના નોયડા અને ગાઝિયાબાદ પહોંચવાના સમાચાર મળવા લાગ્યા હતા. કેટલાક લોકોતો વાહન નહી મળવાની સ્થિતિ વચ્ચે ચાલતા જ રવાના થઈ ગયા હતા. અન્ય સાધનોથી હાફુડ, બુલંદ શહર અને અલિગઢ સુધી પહોંચી ગયા હતા.

        સ્થિતિ વધુ વણસી જશે એ બાબતની નોંધ લઈને યોગી આદિત્યનાથના નિદેર્શ પર રાતોરાત પરિવહનના ડ્રાઈવરો અને કડંકટરોના મોબાઈલ ફોન પર સુચના આપવામાં આવી હતી. બસ લઈને નોયડા, ગાઝિયાબાદ, બુલંદ શહેર, અલિગઢ, હાફુડ પહોંચી જવા કહેવામાં આવ્યું હતું. રાતના ગાળામાં જ એક હજાર બસની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. એટલુ જ નહીં આ લોકો અને તેમના પરિવાર માટે ખાસ કરીને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનના ગાળા દરમિયાન કામ નહીં હોવાથી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને અન્ય રાજ્યોના લોકો બીજા રાજ્યમાં જવા રવાના થઈ ગયા હતા. ખાસ કરીને તેમના વતન માટે રવાના થયા હતા. ઘણા લોકો તો ચાલતા રવાના થઈ ગયા હતા. પોલીસ દ્વારા પણ પુરતી મદદ કરવામાં આવી રહી છે.

       અધિકારીઓના કહેવા મુજબ લખનૌના ચાર બાગથી યાત્રીઓની સુવિધા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાનપુર, બલિયા, વારાણસી, ગોરખપુર, ફેજાબાદ, બસ્તી, પ્રતાપગઢ, સુલતાનપુર, અમેઢી, રાયબરેલી, ગોડા, ઈટાવા, બહરાઈચ જેવા જિલ્લાની બસો યાત્રીઓની લઈને રવાના થઈ હતી. પોલીસ મહાનિર્દેશક હિતેશ ચંદ્ર અવસ્તિ અને લખનૌના પોલીસ અધિકારી સુજિત કુમાર પાંડે તરફથી લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રદેશના મુખ્યમંત્રી યોગી સરકાર દ્વારા કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે ફસાયેલા મજુરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે લેવામાં આવેલા પગલાની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઈ રહી છે. આજે સવારે સંકટ મોચક યોગી ટ્વિટર ઇન્ડિયા પર ટોપ ટ્રેન્ડમાં સામેલ થતા આની ચર્ચા જોવા મળી હતી. યોગીની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. રાતોરાત યોગી દ્વારા એક હજાર બસની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. મજુરો પોતાના ઘરે પહોંચી ગયા છે.

(7:33 pm IST)