Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રામાયણ-મહાભારતનું પુનઃપ્રસારણ : રસ્તાઓ સુમસામ :૮૦ના દાયકાની યાદો ફરી તાજી

રાજકોટ : રામાનંદ સાગરની ''રામાયણ'' સિરીયલનું ફરી આજથી દુરદર્શન ઉપર પ્રસારણ શરૂ થયું છે. ૧૯૮૮-૮૯ દરમિયાન પ્રથમવાર જ્યારે ''રામાયણ'' પ્રસારીત થતી ત્યારે લોકો ઘરમાં ટીવી સેટ સામે ગોઠવાઇ જતા ત્યારના સમયે આટલી આધુનિકતા અને ટીવી સેટ પણ ન હતા. તેમ છતા લોકો આડોશ-પાડોશમાં જેની ઘરે ટી.વી સેટ હોય ત્યાં ગોઠવાઇ જતા અને સમુહમાં રામાયણ નિહાળતા.

આજે જ્યારે ફરીથી રામાયણ સીરીયલનું પ્રસારણ શરૂ થયુ છે ત્યારે સ્થિતિ પહેલા જેવી જ છે, ફકત ફેર એટલો છે કે હવે દરેક ઘરે ટીવી સેટ છે અને લોકો પોત પોતાના ઘરે જ રામાયણ નિહાળી રહ્યા છે. ગઇકાલથી લોકોને પહેલા જેવી જ ઇંતેજારી રામાયણ શરૂ થવાની આજના સમયમાં પણ જોવા મળી હતી. ઠેર-ઠેર એકજ ચર્ચા હતી કે ફરી રામાયણ અને ફરી જુના દિવસો આવી ગયા.

પહેલીવાર રામાયણ ફકત રવિવારના રોજ સવારે પ્રસારીત કરવામાં આવતી. જ્યારે આજથી શરૂ થયેલ રામાયણનું દરરોજ દિવસમાં બે વાર (સવારેે ૯ અને રાત્રે ૯) પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ઘરે-ઘરે અદ્યતન ટીવી જોવા મળે છે. તે સમયમાં ''એન્ટેના'' છત ઉપર લગાવી તેને એડજેસ્ટ કરવામાં આવતુ હતુ હાલ આવી કોઇ મુશ્કેલી ન હોવાથી લોકો આરામથી રામાયણની મજા માણી રહ્યા છે.

શહેરના રાજમાર્ગો ઉપર પણ આજે સન્નાટો છવાય ગયો હતો. લોકો ઈંતેજારીપૂર્વક ટીવી સેટ સામે ગોઠવાઈ ગયા હતા. જે લોકોનો જન્મ ૧૯૯૦ બાદ થયો છે તેમને માટે રામાયણનું પ્રસારણ રોમાંચથી કંઈ કમ નથી. વડીલોના મોઢે સાંભળેલી વાતો આજે તેમની સમક્ષ બનીને ઉભી હોય તેવો માહોલ સર્જાયો છે.

હવે તો રામાયણની સાથો-સાથ મહાભારતનું પણ પ્રસારણ આજથી શરૂ થઈ રહ્યું છે. મહાભારત બપોરે ૧૨ વાગ્યે અને સાંજે ૭ વાગયે ડીડી ભારતી ઉપર કરવામાં આવી રહ્યું છે. ગુહીણીઓ પણ પોતાના કામકાજના સમયમાં ફેરફાર કરી ટીવી સામે ગોઠવાઈ જવાની તૈયારીઓ કરી લીધી છે.

આ બંન્ને બ્લોક બસ્ટર સીરીયલોનું નિર્માણ અને પ્રસારણ વિક્રમ સર્જક હતું. રામાયણ રામાનંદ સાગરે બનાવી હતી તો મહાભારત બી.આર.ચોપડાએ નિર્માણ કરેલ. ૩-૩ દાયકાઓ બાદ પણ લોકોના માનસ ઉપર બંન્ને સીરીયલોની યાદો હજી પણ એટલી જ તાજી છે. અને હવે બંન્ને સીરીયલોનું પુનઃપ્રસારણ થઈ રહ્યું છે, ત્યારે લોકો ભૂતકાળમાં જરૂર સરી જશે એ નક્કી છે.

(4:25 pm IST)