Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનની અસર : દેશભરમાં વીજળીની માગ ઘટી, પાવર સેકટરને પણ ઝટકો

બેન્કોએ RBIને લખ્યું કે બ્રાંચમાં પ્રવૃત્તિ ઘટી : RTGS પણ નહીં અને ચેક કિલયરિંગ પણ નહીં

નવી દિલ્હી, તા. ર૮ : લોકડાઉનના કારણે વીજળીની માગમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે અને પાવર સેકટરને ઝટકો લાગ્યો છે. તેના કારણે રોજેરોજ વીજળીના વપરાશમાં ખૂબ જ ઘટાડો થયો છે. ઓલ ઇન્ડીયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને ચિંતા વ્યકત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખ્યો છે.

ફેડરેશનનું કહવું છે કે લોકડાઉન પહેલા દેશમાં વીજળીની માગ ૧,પ૪,૦૪પ મેગાવોટ હતી, જે ઘટીને ૧,ર૧,૯૩૭ મેગાવોટ રહી ગઇ છે. દેશભરમાં રોજ વીજળીનો વપરાશ ૩પ,૬પ૦ લાખ યુનિટથી ઘટીને ર૯,૭પ૦ લાખ યુનિટ પર આવી ગયો છે. વપરાશ ઘટવાના કારણે ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રોજનું ૩૦ કરોડ રૂપિયાનું અને ર૧ દિવસમાં ૬પ૦ કરોડ રૂપિયાથી વધુનું નુકશાન થયું છે.

એસબીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે લોકડાઉનમાં પણ તમામ બેન્કની ૮૦ ટકા બ્રાંચ ખોલવામાં આવી હતી, પરંતુ દરેક બેન્કમાં સરેરાશ ૧પ થી ર૦ ટકા લોકો જ પહોંચ્યા, ત્યાર બાદ બેન્કોએ આરબીઆઇને લખ્યું કે શાખાઓમાં ગતિવિધી ઘટી છે, ન તો આરટીજીએસ થઇ રહ્યું છે, ન તો ચેક કિલયરિંગ, ઇએમઆઇ માટે જનરેટ થતાં ઇસીએસ અને કિલયરિંગ પણ મુંબઇથી જ થઇ જાય છે. મેટ્રો સીટીમાં દરેક એટીએમમાં રોજ લગભગ રપ૦ અને અન્ય સીટીમાં ૧પ૦ લોકો પૈસા કાઢે છે, પરંતુ મેટ્રો એટીએમમાં આ સંખ્યા ઘટીને ૪૦થી પ૦ અને અન્ય સીટીમાં ર૦ થી ૩૦ થઇ છે.

(3:59 pm IST)