Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કેરળમાં પ્રથમ મોતઃ કુલ પીડિતોની સંખ્યા ૯૦૦ને પાર

૨૦ના મોત : ભારતીય રેલવેએ તૈયાર કર્યા આઇસોલેશન કોચ : છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૦ નવા કેસ : દરેક રાજ્યમાં સ્થિતિ વણસી : મહારાષ્ટ્રમાં સૌથી ૧૫૯ પોઝીટીવ કેસ : દિલ્હી - યુપી બોર્ડર પર મજૂરોની હિજરત

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લોકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા ૯૦૦ને પાર પહોંચી ગઈ છે. જયારે આ વાયરસથી અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોત થયા છે. કેરળમાં કોરોનાના કારણે પ્રથમ વ્યકિતનું મોત થયું છે. 

પીએમ મોદીએ દેશના દરેક મેડીકલ સંસ્થાઓને સજ્જ રહેવાનું કહ્યું છે. વિડીયો કોન્ફરન્સ કરીને તેઓએ તથ્યો આધારીત રીસર્ચ માટે સંસ્થાઓને યોગ્ય સહાય આપવા જણાવ્યું છે. દેશના દરેક હેલ્થ કેર વર્ક ફોર્સને આ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.

લોકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધતો જાય છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજયમાં કોરોના પોઝિટીવના ૬ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ૫ કેસ મુંબઈમાં છે અને એક નાગપુરમાંથી સામે આવ્યો છે. આમ આવી રીતે મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૧૫૯ થઈ ગઈ છે.

નોઈડામાં આજથી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે ડોર ટૂ ડોર ડિવલીવરી માટે ૧૫૦૦ ડિલીવરી બોય આ સર્વિસ કરી રહ્યા છે. નોઈડા ઓથોરિટીએ ૨૬૦ ફાર્મસી, ૪૫૦ કરિયાણાના સામાન માટે અને ઈકોર્મસ માટે ડિલીવરી બોય તૈયાર કર્યા છે. આજથી નોઈડામાં જીવન જરૂરિયાત વસ્તુઓની ડિલીવરી શરૂ થઈ છે.

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જયારે રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા રાજયમાં કોરોનાના કુલ ૫૩ દર્દી નોંધાયા છે. આ સાથે જ રાજકોટમાં કુલ કોરોનાના ૮ દર્દી થયા છે. જો કે આજે સવારે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા.

ગુજરાત પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યુ નથી. એમ કહીએ કે વધુને વધુ ઘેરૂ બનતુ જાય છે. કેમ કે, રાજયમાં આજના દિવસે વધુ ૩ કેસ પોઝીટીવ આવ્યા છે. આ ૩ કેસ રાજકોટમાં નોંધાયા છે જેથી રાજકોટમાં અત્યાર સુધીમાં પોઝીટીવ કેસની સંખ્યા ૮ પર પહોંચી ગઇ છે. તો રાજયમાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૪૭ પર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે રાજકોટમાંથી કુલ ૧૧ લોકોના સેમ્પલ લેવાયા હતા. તેમાંથી ૮ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જયારે ૩ લોકોના સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. આમ રાજયમાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા ૪૭ પર પહોંચી ગઇ છે.

તેમણે જણાવ્યું કે ૧૬ દર્દીઓ વિદેશથી ચેપ લઈને આવ્યા હતા તેમના સંપર્કમાં આવવાથી બીજા ૨૮ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસ ૫૩ છે. જયારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે. રાજયમાં કુલ ૮૨૪ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે આજની તારીખ સુધીમાં ૨૦,૧૦૩ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ વ્યકિતઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

(3:39 pm IST)