Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગુજરાત ચિંતાતુરઃ કોરોનાના ૬ દર્દીઓ વધ્યાઃ કુલ ૫૩

પોઝીટીવવાળા ૩ દર્દીઓની સારવાર બાદ હવે રીપોર્ટ નેગેટીવઃ રાહતરૂપ પરિણામ પણ હવે વધુ આકરો સમયઃ હજુ કેસ વધશે ? : કુલ ૯૯૩ સેમ્પલ પૈકી ૯૩૮ નેગેટીવઃ આરોગ્ય કર્મચારીઓ માટે દિલ્હીથી ખાસ કીટ આવીઃ તબીબી સેવા માટે ૧૦૭૦ નંબર પર ફોન કરવા જયંતી રવિની અપીલ : આજે જાહેર થયેલ કોરોનાના ૩ કેસ પૈકી એક વડોદરા, એક ગાંધીનગર અને એક મહેસાણાનાઃ કોરોનાએ વધારાનો જિલ્લો મહેસાણા કવર કર્યો! હવેનું અઠવાડીયું કેસ વધવાની પ્રબળ શકયતાવાળુ

ગાંધીનગર, તા.૨૮: આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસના આજે નવા ૬ કેસ પોઝીટીવ થયા છે. આમ રાજયમાં કુલ ૫૩ કેસ પોઝીટીવ નોંધાયા છે.ડો. રવિએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજયમાં જે નવા છ કેસ પોઝીટીવ થયા છે તેમાં ૬૬ વર્ષના એક વડોદરાના પુરૂષ છે જે યુ.કેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ગાંધીનગરના ૮૧ વર્ષના એક પુરૂષ અને મહેસાણાના ૫૨ વર્ષના એક પુરૂષનો કેસ છે જે લોકલ ટ્રાન્સમિશનના લીધે છે. એજ રીતે અમદાવાદમાં ૭૦ વર્ષનાં એક પુરૂષનો કેસ છે જે આંતરરાજય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં જ એક ૪૫ વર્ષના બહેન અને એક ૩૩ વર્ષના બહેનનો કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે નોંધાયો છે. આ સાથે રાજયમાં કુલ ૫૩ કેસ પોઝીટીવ થયા છે, જેમાં અમદાવાદમાં ૧૮, સુરતમાં ૦૭, રાજકોટમાં ૦૮, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૦૮, ભાવનગરમાં ૦૧ અને મહેસાણામાં ૦૧ કેસનો સમાવેશ થાય છે.

રાજયમાં જે ૫૩ કેસ છે જે પૈકી ૧૪ દિવસના કોરોન્ટાઈનમાં રહેલા દર્દીઓના ટેસ્ટિંગ પ્રોટ્રોકોલ મુજબ બે વાર કરવામાં આવ્યા છે તેમાંના ત્રણ કેસના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જે સારા અને રાહતના સમાચાર છે. સૌ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. જે લોકડાઉનનો સમયગાળો નિયત કરાયો છે તેનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે. આપણે સૌએ સોશ્યલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતર જાળવવું અનિવાર્ય છે. આપણા દ્યરમાં પણ વડીલો-વયસ્ક હોય તો તેની સંપૂર્ણ કાળજી રાખીને તેમની સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખી લોકડાઉન પાળીએ. અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન જઈએ એ અત્યંત જરૂરી છે. તેમ અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું.

ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજયમાં અત્યાર સુધીમાં ૯૯૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી ૯૩૮ સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર ૫૩ કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨૦,૧૦૩ નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે ૧૯,૩૪૦ લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જયારે સરકારી કોરોન્ટાઈનમાં ૬૫૭ લોકોને રખાયા છે.

તેમણે ઉમેર્યું કે, રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે ૪ કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

રાજયના ચાર મહાનગરોમાં કોવીડ-૧૯ના સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડો. જયંતિ રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં ૬૬૦ અને ખાનગીમાં ૧૭૩૯ એમ કુલ મળી કુલ ૨૩૯૯ વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે.

ડો.  જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજયમાં માસ્ક અને જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. એન-૯૫ માસ્ક રોજના ૩૦ હજાર અને ત્રિપલ લેયર માસ્ક રોજના ૩ લાખ આવે છે. જેનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. એજ રીતે આરોગ્ય કર્મીઓ કે જેઓ પોઝીટીવ કેસની સારવાર કરી રહ્યા છે તેઓ માટે પીપીઈ કીટ (પર્સનલ પ્રોટેકિટવ ઈકવીપમેન્ટ) પણ ઉપલબ્ધ છે અને વધુ જથ્થો આજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી આવી રહ્યો છે.ઙ્ગ

નાગરિકોએ આરોગ્યલક્ષી કે તબીબી સેવાઓની જરૂર હોય તો ૧૦૪ હેલ્પલાઈન તથા મેડિકલ સિવાયની અન્ય ઈમરજન્સી માટે સ્ટેટ કંટ્રોલના ૧૦૭૦ નંબર પર તથા જિલ્લા કક્ષાએ ૧૦૭૭ નંબર પર સંપર્ક કરવાનો છે. એજ રીતે કોવિડ ૧૯ સંદર્ભે નાગરિકોને જે પણ પ્રશ્નો હોય તો તેમણે askexpertcovid19@gujarat.gov.in   અને askdocforcovid.gujarat@gmail.com પર ઈ-મેઈલ કરવા અનુરોધ છે. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાત તબીબો સચોટ અને અધિકૃત જવાબો આપશે.

શહેર

કેસની સંખ્યા

અમદાવાદ

૧૮

વડોદરા

રાજકોટ

ગાંધીનગર

સુરત

કચ્છ

ભાવનગર

મહેસાણા

કુલ

૫૩

(3:38 pm IST)