Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દિલ્હીથી હજારો લોકો પગપાળા યુપી તરફ

પોલિસ તથા પ્રશાસને જમવાનુ અને માસ્ક આપ્યાઃ મેરઠ પોલિસે જાનને પાછી વાળીઃ ફકત વર, તેના પિતા અને બહેનને જ જવા દેવાયા : યુપી સરકારે પગપાળા મજૂરો માટે કરી ૨૦૦ બસોની વ્યવસ્થાઃ નોઇડા - ગાઝીયાબાદથી દર બે કલાકે ઉપડશે બસ

લખનૌઃ દેશમાં લોકડાઉનના કારણે  ધંધા ઠપ્પ થઇ ગયા છે. શહેરોમાં આવેલા મજૂરો પાસે હવે ત્યાં રહેવાનું કોઇ કારણ નથી. બસ - ટ્રેન બધુ બંધ છે. મજબુરીમાં આ મજૂરો પરિવાર સાથે પગપાળા  જ સેંકડો કિલોમિટર દૂર પોતાના ગામ માટે રવાના થઇ ચૂકયા છે. દિલ્હી યુપી બોર્ડર પર આવા જ  હજારો લોકો  પગપાળા પોતાના ગામો તરફ  જતા દેખાયા છે.

ઉત્તર પ્રદેશના મોટાભાગના રોડ પર આવા મજૂરોના ટોળા જોવા મળશે. પૈસા છે નહી , ખાવાનુ ય નથી.રોટલા માટે શહેરોમાં આવ્યા હતા અને ભૂખ્યા જ ગામડે પાછા જવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતીથી કોઇ અજાણ્યુ નથી. સંક્રમણનું જોખમ તો  છે જ , પણ માનવતાના નાતે પોલિસ અને પ્રશાસન આ લોકોની મદદ મટે જરૂરી પ્રયત્નો કરી રહ્યા છે. રસ્તામાં મજૂરોને જમવાનું આપવામાં આવે છે. તેમને માસ્ક પણ અપાય છે અને સાથે જ સમજાવવામાં પણ આવે છે કે તમારો આ પ્રવાસ તમારા  પોતાના લોકોને જ મુશ્કેલીમાં મૂકશે. પણ સેંકડો કિલોમીટરની સફર પર નીકળેલા આ મજુરો કહે છે કે અમે કોરોનાથી કદાચ બચી જશુ પણ ભૂખમરાથી તો જરૂર મરી જશે. આ લોકોને પગમાં છાલા પડી ગયા છે પણ તેઓ રોકાતા નથી.

લોકડાઉનની અસર લોકોના પહેલાથી લગ્નની તારીખો પર પણ દેખાવવાનુ શરૂ થઇ ગયુ છે. ગઇકાલે એક વરરાજા  જાન સાથે છોકરીવાળાના ઘરે જવા નિકળ્યો હતો. પણ જાનને લઇ જવાની પરવાનગી નહોતી અપાઇ. એટલે વર ફકત બે જણને સાથે લઇને  પરણવા પહોંચી ગયો હતો.

કાનપુર શહેરની મસ્જીદોમાંથી મૌલાનાઓએ જાહેર કર્યુ છે જુમાની નમાજ લોકોને ઘર પર જ અદા કરે. બધા લોકો આનુ પાલન કરીને પ્રશાસનને મદદ કરે. સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવાની સાથે સાથે ઘરોમાં રહેવાની અપિલ પણ કરવામાં આવી છે.

લોકડાઉન દરમ્યાન  લોકો ઘરે પહોંચવા માટે જાતજાતની રીતો અજમાવે છે. કાનપુરમાં ગુરૂવારે રાત્રે આવા કેટલાય લોકોને માલગાડીમાંથી ઉતારવામાં આવ્યા, જે છાનામાના ઉત્તરપ્રદેશ  આવી રહ્યા હતા.  સ્ટેશન પર મહારાષ્ટ્રના નાસિકથી ચડેલા લગભગ ૨૦૦ વ્યકિતઓને ઉતરીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. તેમના હાથો પર ૧૪ દિવસ ઘરમાં કવોરેન્ટાઇનમાં  રહેવાનો સિક્કો લાગેલો હતો.

(2:47 pm IST)