Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કાબુલ ગુરૂદ્વારા આત્મઘાતી હુમલો : હુમલાખોરોમાં કેરળનો આતંકવાદી સાજિદ પણ હતો

આઈએસની મેગેઝીનમાં છપાયેલી તસવીરથી ઓળખ : સાજિદ ૨૦૧૬માં આઈએસમાં સામેલ થવા માટે કેરળથી અફઘાનિસ્તાન ૧૩ લોકો સાથે પહોંચ્યો હતો : અબ્દુલ રાશિદ અબ્દુલ ચંદેરાએ સાજિદને આઈએસમાં સામેલ કરાવ્યો, ચંદેરાને ગત વર્ષે અફઘાનિસ્તાનમાં મારવામાં આવ્યો હતો

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા આત્મઘાતી હુમલાને અંજામ આપનાર એક આતંકવાદી કેરળનો હતો. બે દિવસ પહેલા થયેલા આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઈએસએ લીધી હતી. હવે આઈએસએ દાવો કર્યો છે કે તેમાં સામેલ એક આતંકવાદીનું નામ અબુ ખાલિદ અલ હિંદી છે. તપાસ એજન્સીઓએ શુક્રવારે તેની ઓળખ કેરળના કાસરગોડના રહેવાસી મોહમ્મદ સાજિદ કુતિરુમ્મલ (૨૯) તરીકે કરી હતી. આઈએસએ તેની મેગેઝિન અલ નબામાં હુમલાખોરોની તસવીરો અને નામ છાપ્યા હતા. તેમાં સાજિદ હાથોમાં રાઇફલ સાથે દેખાઇ રહ્યો છે. તપાસ એજન્સીઓ પ્રમાણે તેની ઓળખ એ તસવીરના આધારે કરવામાં આવી હતી.

ગુપ્તચર એજન્સીઓ એ માહિતી મેળવી રહી છે કે સાજિદ અફઘાનિસ્તાન કેવી રીતે પહોંચ્યો. તેના માટે એજન્સી અફઘાનિસ્તાનની એજન્સીના સંપર્કમાં છે. એનઆઇએએ આ પહેલા ખુલાસો કર્યો હતો કે સાજિદને આઈએસમાંઅબ્દુલ રાશિદ અબ્દુલ ચંદેરાએ સામેલ કરાવ્યો હતો. ચંદેરા ગત વર્ષે અફઘાનિસ્તાનમાં મારી નાખવામાં આવ્યો હતો.

૨૦૧૬માં આઈએસમાં સામેલ થવા માટે આતંકવાદી સાજિદ અફદ્યાનિસ્તાન ગયો હતોઆતંકવાદી સાજિદ પહેલા ખાડી દેશની કોઇ દુકાનમાં કામ કરતો હતો. ત્યાંથી આવ્યા બાદ ૨૦૧૬માં આઈએસમાં સામેલ થવા માટે કેરળથી અફઘાનિસ્તાનના ખુરાસાન પ્રાંત પહોંચ્યો હતો. અહીં તેની સાથે અન્ય ૧૩ લોકો પણ આતંકવાદ ફેલાવવા માટે સાથે આવ્યા હતા. સાજિદ આઈએસમાં જોડાયો ત્યારબાદ તેના પિતા મહેમૂદે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સંબંધે કેરળના ચેંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તેની સાથે અફઘાનિસ્તાન ગયેલી આયશા ઉર્ફે સોનિયા સેબેસ્ટિયન ઉર્ફે નિમિશાએ પાછા દેશમાં આવવાની ઇચ્છા જાહેર કરી હતી. જોકે હજુ સુધી કોઇ પરત આવ્યું નથી. કેરળથી ૪ વર્ષ પહેલા આઈએસમાં સામેલ થયેલા આ ૧૪ પૈકી સાત આતંકવાદીઓની મોત થઇ ચૂકી છે.

આ મામલે એમ્સટર્ડમ યુરોપિયન થિન્ક ટેન્કએ દાવો કર્યો છે કે કાબુલના ગુરૂદ્વારા પર થયેલા હુમલાની માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ છે. પાકિસ્તાન હમણાના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ભારતીયો વિરૂદ્ઘ થયેલા હુમલાઓમાં સામેલ રહી છે. આ હુમલા બાદ આઇએસઆઇએ નિવેદનમાં કહ્યું હતું કે આ ભારત સરકારની કાશ્મીરમાં થયેલી કાર્યવાહીનો બદલો છે.

(1:11 pm IST)