Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનને પગલે મજૂરોની દર્દનાક સ્થિતિ : માથે પોટલાં,અને કાંખમાં છોકરા તેડી નીકળ્યા : દિલ્હી- યુપી બોર્ડરે હજારોની ભીડ

દિલ્હીથી લઈને નોઈડા, ગાઝિયાબાગ જેવા વિસ્તારોમાંથી હજારો મજૂરો પલાયન કરવા મજબૂર

નવી દિલ્હી : દેશમાં આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. વહીવટી તંત્ર અને પોલીસના અનેક પ્રયાસો છતાં મજૂરો અને રોજનું કમાય રોજ ખાતા લોકોનું પલાયન ચાલુ જ છે. શહેરોમાં વસતા અને રોજીરોટી કમાતા લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે. ત્યારે આવા અસંખ્ય લોકો હાલ રસ્તામાં ચાલતા, માથે પોટલા નાખી, કાંખમાં છોકરા તેડી નિકળ્યા છે. આ દર્દનાક તસ્વીરોએ સૌ કોઈને વિચારવા મજબૂર કર્યા છે, કે, ભલા આમનો તે શું વાંક ?

દિલ્હીના ગાઝિપુરમાં પલાયન કરી રહેલા લોકોની ભીડ જામી ગઈ છે. દિલ્હી યુપી બોર્ડર પર બેરિકેડીંગ કડક હોવાના કારણે લોકોને બોર્ડર પર જ ઉભા રહી વહીવટી તંત્ર અને પોલીસની સામે લાચાર નજરે જોવા સિવાય કોઈ રસ્તો નથી, પોતાના ઘર તરફ જવાની રાહ જોયા સિવાય કોઈ જ વિકલ્પ નથી.

દિલ્હીથી લઈને નોઈડા, ગાઝિયાબાગ જેવા વિસ્તારોમાંથી આજે પણ હજારો મજૂરો પલાયન કરવા મજબૂર બન્યા છે. તેમનું કહેવું છે કે, અમારી કંપની અને ફેક્ટરીઓ બંધ થઈ છે. ત્યારે આવા સમયે શહેરોમાં રહીને અમે શું કરીએ, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

(12:52 pm IST)