Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દક્ષિણ કોરિયાએ પ્રતિબંધો વિના જ કોરોનાને કર્યો લોકડાઉન !!!

જમણા હાથના બદલે ડાબા હાથનો ઉપયોગ શીખવાડયો : ઠેર- ઠેર થર્મલ ઈમેજિંગ કેમેરા લગવ્યા : ટેસ્ટિંગ કિટનું ઉત્પાદન વધાર્યું: હવે નિકાસ કરશે : લોકોને રોકયા પણ નહીં અને બજારો પણ ચાલુ રાખી : ૧૦ મિનિટમાં તપાસ, ૧ કલાકમાં રિર્પોટઃ ૬૦૦થી વધુ ટેસ્ટીંગ સેન્ટર

તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લવી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં ૮માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના ૯૦૩૭ કેસ નોંધાયા છે જયારે ૩૫૦૦થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. માત્ર ૧૨૯ લોકોના મોત થયા જયારે માત્ર ૫૯ ગંભીર છે. જોકે પહેલા પરિસ્થિતિ આવી ન હતી. ૮-૯ માર્ચના ૮૦૦૦ લોકો સંક્રમિત હતા પરંતુ છેલ્લા બે દિવસમાં માત્ર ૧૨ નવા કેસ સામે આવ્યા છે. ચોંકવાનારી વાત એ છે કે પહેલો કેસ આવ્યા બાદથી પણ અહીં કોઇ લોકડાઉન નથી થયું અને બજાર પણ બંધ નથી થયા.

દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી કાંગ યુંગ વા જણાવે છે કે તાત્કાલિક ટેસ્ટ અને સારા ઇલાજના કારણે કેસ ઓછા થયા અને તેનાથી  મૃત્યુનો આંકડો પણ ઓછો રહ્યો. અમે ૬૦૦થી વધુ ટેસ્ટિંગ સેન્ટર ખોલ્યા. ૫૦થી વધારે ડ્રાઇવિંગ સ્ટેશનો પર સ્ક્રિનિંગ કર્યું. રિમોટ ટેમ્પરેચર સ્કેનર અને ગળામાં ખરાબીને તપાસી જેમાં માત્ર ૧૦ મિનિટનો સમય લાગ્યો. એક કલાકની અંદર રિપોર્ટ મળે તેની વ્યવસ્થા કરી. અમે દરેક જગ્યાએ પારદર્શક ફોનબૂથને ટેસ્ટિંગ સેન્ટરમાં તબદીલ કરી નાખ્યા.

દ.કોરિયામાં સંક્રમણ તપાસવા માટે સરકારે મોટી ઇમારતો, હોટલ, પાર્કિંગ અને સાર્વજનિક સ્થળો પર થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા જેનાથી જે વ્યકિતને તાવ હોય તેની તુરંત ઓળખાણ થઇ શકે. રેસ્તરાંમાં પણ તાવની તપાસ થયા બાદ જ ગ્રાહકોને પ્રવેશ મળે તેની વ્યવસ્થા કરવામાં આવી.

દક્ષિણ કોરિયાના જાણકારોએ લોકોને સંક્રમણથી બચવા માટે હાથોના ઉપયોગની એક રીત પણ શિખવાડી હતી. તેમાં જો વ્યકિત જમણા હાથથી કામ કરતો હોય તો તેને મોબાઇલ પકડવા, દરવાજાનો હેન્ડલ પકડવા માટે અને અન્ય નાનામોટા કામમાં ડાબા હાથનો ઉપયોગ કરવાની સલાહ આપવમાં આવી હતી. તેવી જ રીતે ડાબા હાથનો ઉપયોગ કરતા લોકોને જમણા હાથનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ કરવા પાછળનું કારણ એ કે જે વ્યકિત મોટાભાગે જે હાથનો ઉપયોગ તેના રોજિંદા કાર્યોમાં કરતો હોય તે હાથ જ ચહેરા પર લઇ જતો હોય છે. આ ટેકિનક ખૂબ અસરકારક રહો. સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

જાન્યુઆરીમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સૌથી પહેલા ફાર્મા કંપનીઓ સાથે મળીને ટેસ્ટિંગ કિટનું ઉત્પાદન વધારવામાં આવ્યું. બે અઠવાડિયામાં સંક્રમણના કેસ વધ્યા તો ઝડપથી ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કર્યું. આજે દક્ષિણ કોરિયામાં દૈનિક ૧ લાખ ટેસ્ટિંગ કિટ બની રહી છે. ૧૭ દેશમાં તેની નિકાસ પણ ર્શ થવા જઇ રહી છે.

કોરોના સંક્રમણના કેસ આવ્યા બાદ પણ કોરિયાએ એક દિવસ માટે પણ માર્કેટ બંધ નથી કર્યા. મોલ, સ્ટોર,નાની મોટી દુકાનો નિયમિત રીતે ખુલતી રહી હતી. લોકોના બહાર નિકળવા પર પણ કોઇ પાબંદી લગાવવામાં આવી ન હતી. વાયરસથી સુરક્ષાનો અભ્યાસ ૨૦૦૫થી જ લોકોની આદતમાં છે જયારથી મિડલ ઇસ્ટ રેસ્પારેટરી સિન્ડ્રોમ ફેલાયો હતો.

ખુદ અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં ચીફે માન્યું છે કે દક્ષિણ કોરિયાએ જે પ્રભાવી રીતે મહામારીને રોકવા માટે પગલા ઉઠાવ્યા છે તે કોઈએ નથી ઉઠાવ્યા, તેમનું કહેવું છે કે કોરિયાએ વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ કર્યું. જેમાં અનુભવી સ્વાસ્થ્યકર્મીઓનો સાથ મળ્યો. તેમણે કહ્યું કે, ''અમેરિકાએ દક્ષિણ કોરિયા પાસેથી શીખ લેવા જેવી છે.'' દક્ષિણ કોરિયામાં દરરોજ ૨૦ હજાર લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

(11:48 am IST)