Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનઃ ભારતમાં દર ૧૦ માંથી ૮ વ્યકિતનું જીવન દુષ્કર બનાવી દેશે

નવી દિલ્હી,તા.૨૮: કોરોના વાયરસ વિશ્વમાં ૧૭૫ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. ૪૦થી વધુ દેશોમાં મૃતકોની સંખ્યા ૫૦૦થી ઉપર થઈ ગઈ છે. કોરોનાને રોકવાનો અત્યાર સુધીનો સૌથી કારગર ઉપાય છે સોશયલ ડિસ્ટેન્સિંગ. સમગ્ર વિશ્વમાં તેને અપનાવાઈ રહ્યો છે. ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ભારત પર આ વાયરસની અસર અન્ય દેશોની સરખામણીમાં ઘણી અલગ અને ઊંડી અસર થવાની છે. આપણા દેશમાં દર ૧૦માંથી માત્ર ૨ લોકો એવા છે જેમને સેલેરી મળે છે કે પછી ફિકસ કમાણી કરે છે અને તેમના પર લોકડાઉનની અસર ઓછી થશે, જયારે બાકીના ૮ લોકો પર લોકડાઉનની ગંભીર અસર પડશે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના ૫,૨૯,૬૧૪ કેસ સામે આવી ચૂકયા છે. ૧,૨૧,૪૫૪ દર્દીઓ સાજા થઈ ચૂકયા છે અને એકિટવ કેસ ૩,૮૪,૪૪૬ છે. કોરોનાના કારણે મોતનો આંકડો ૨૩,૭૧૪ થઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં ૭૨૪ મામલા સામે આવ્યા છે. ૧૭ના મોત થઈ ચૂકયા છે અને એકિટવ કેસ ૬૪૦ છે.

વિશ્વમાં જેટલા લોકો પાસે રોજગાર છે, તેમાં ભારતમાં માત્ર ૨૨.૧૦ ટકા સેલેરી કલાસના છે. પાકિસ્તાનમાં ૩૯.૮૦ ટકા અને ઈન્ડોનેશિયામાં ૪૯.૮૦ ટકા લોકો નિયમિત પગાર આવતો હોય તેવી નોકરી કરે છે.

વિકસિત અર્થવ્યવસ્થામાં સેલરીડ રોજગારની ટકાવારી ઘણી વધુ છે, જેના પર તેની અસર ઓછી થશે.

સૌથી વધુ અમેરિકામાં ૯૩.૮૦ ટકા, બીજા નંબર પર રશિયા ૯૩.૪૦ ટકા અને ત્રીજા નંબર પર જર્મની ૮૯.૮૦ ટકા સેલરીડ લોકો છે.

વલ્નરેબલ વર્કર્સ (છૂટક મજૂરી કરનારાઓ)ના મામલે પણ ભારતની સ્થિતિ દયનીય છે. અહી ૭૬.૨૦ ટકા વલ્નરેબલ વર્કર્સ છે. પાકિસ્તાનમાં ૫૮.૯૦ ટકા અને થાઈલેન્ડમાં ૪૯.૯૦ ટકા વલ્નરેબલ વર્કર્સ છે. આ એ વર્કર્સ છે, જેમની સ્થિતિ ઘણી ખરાબ છે. કમાણી ઘણી ઓછી છે અને કોઈ પ્રકારની સોશયલ સિકયોરિટી નથી. વિકસિત દેશોની વાત કરીએ તો રશિયામાં ૫.૨૦ ટકા, અમેરિકામાં ૩.૭૦ ટકા, જાપાનમાં ૮.૪૦ ટકા, યુકેમાં ૧૨.૯૦ ટકા, ફ્રાન્સમાં ૭.૪ ટકા અને સ્પેનમાં ૧૧.૩૦ ટકા વલ્નરેબલ વર્કર્સ છે.

(11:40 am IST)