Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનમાં છુટછાટથી કોરોનાનો બીજો રાઉન્ડ આવશે

કોરોના વાઇરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોની ચીનને ચેતવણી

બીજિંગ,તા.૨૮:ચીનમાં કોરોનાનો કેર હાલ પૂરતો થંભી ગયો છે. નવા કેસ જોવા મળતા નથી એવામાં દેશ ફરીથી એની રફતાર પકડવાની અણીએ છે એવામાં કોરોના વાઇરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ ચીન સહિત સમગ્ર વિશ્વને ચેતી જવાનું કહ્યું છે. ચીનમાં લોકડાઉન હળવું થતાં લોકોની ચહેલપહેલ જોવા મળી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકડાઉન લાંબું કરવાથી બીજો રાઉન્ડ મોડો થશે, નહીંતર ઓગસ્ટમાં જ કોવિડ-૧૯નો બીજો રાઉન્ડ આવી શકે છે.

વાઇરસના જન્મસ્થાન વુહાનને ફરીથી ધબકતું કરવાની કવાયત શરૂ કરી રહેલા ચીનને ધી લાન્સે પબ્લિક હેલ્થ જર્નલ દ્વારા સલાહ આપવામાં આવી છે કે વુહાનને એપ્રિલ સુધી બંધ રાખવામાં આવે. આવું કરવાથી કોવિડ-૧૯ના બીજા રાઉન્ડને લંબાવી શકાશે. સંભવતઃ આ પગલું  ભરવાથી બીજો રાઉન્ડ ઓકટોબર સુધી ખાળી શકાશે.

વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડલના આધારે વાઇરસનો ફેલાવ અને મોતના આંકડાનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે ૧.૧૦ કરોડની વસ્તી ધરાતા વુહાનને જો ખુલ્લું મૂકી દેવામાં આવ્યું તો વહેલી તકે કોવિડ-૧૯નો બીજો રાઉન્ડ આવશે.

વૈજ્ઞાનિકોના મતે હાલમાં લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ વુહાનમાં ઓગસ્ટમાં જ તબાહી લાવી શકે છે. જોકે એપ્રિલ સુધીમાં લોકડાઉન ચુસ્તપણે રાખવામાં આવે તો બીજો રાઉન્ડ ઓકટોબરમાં આવે એવી વકી છે. લંડનની ગ્લોબલ હેલ્થ એપિડેમિકોલોજી યુનિવર્સિટીના એકસપર્ટ ટીમ કોલબર્ન જણાવ્યું કે આ અભ્યાસ સમગ્ર વિશ્વએ નોંધી રાખવા જેવો છે.

(11:38 am IST)