Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના ઇફેકટ

લોકો બેંકોમાંથી મોટી રકમ ઉપાડી રહ્યાં છેઃ ૧૫ દિ'માં રૂ.૫૩૦૦૦ કરોડની રોકડનો ઉપાડ

મુંબઇ, તા.૨૮: કોરોનાને કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં કટોકટીની પરિસ્થિતિમાં કોઈ તકલીફ ના પડે તે માટે લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં બેંકોમાંથી કેશ ઉપાડી લીધી છે. છેલ્લા ૧૬ મહિનામાં રોકડ ઉપાડી લેવાનું સૌથી વધુ પ્રમાણ માર્ચ મહિનામાં નોંધાયું છે. ૧૩ માર્ચે પૂરા થયેલા આ મહિનાના પખવાડિયાના આંકડા અનુસાર, લોકોએ ૫૩,૦૦૦ કરોડ રૂપિયા કેશ ઉપાડી લીધા છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, આટલા મોટા પ્રમાણમાં કેશ ઉપાડવાનો ટ્રેન્ડ સામાન્ય રીતે તહેવારોની સીઝન કે પછી ચૂંટણી દરમિયાન જોવા મળતો હોય છે. બેન્કિંગ સિસ્ટમ મારફતે લોકો સુધી કેશ પહોંચાડતી આરબીઆઈએ કેશની કોઈ તકલીફ ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં તેનો પ્રવાહ જાળવી રાખ્યો છે. ૧૩ માર્ચના આંકડા અનુસાર, દેશના નાગરિકો પાસે ૨૩ લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશન વધ્યા છે, પરંતુ હાલની સ્થિતિને જોતા કેશને લોકો વધારે પ્રાધાન્ય આપશે તેવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે. આગામી દિવસોમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેવાની શકયતા છે. લોકડાઉનને લીધે બેંકોની બ્રાન્ચ અને એટીએમનો એકસેસ કરવામાં કોઈ મુશ્કેલી પડશે તેવી શંકાના કારણે લોકો બને તેટલી વધુ કેશ ઉપાડી રહ્યા છે.

લોકડાઉનને કારણે કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ્સે સામાન ડિલિવર કરવાનો બંધ કરી દીધો છે. જેનું પરિણામ એ આવ્યું છે કે લોકો નાની દુકાનો કે સ્ટોર્સમાં જઈને ખરીદી કરી રહ્યા છે, અને બધે ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન ઉપલબ્ધ ના હોવાના કારણે તેમને ત્યાં કેશમાં ચૂકવણી કરવી પડી રહી છે. જેથી સ્વાભાવિક રીતે કેશની ડિમાન્ડ વધી છે.

કેશ ઉપાડવાનું પ્રમાણ વધી જવાના કારણે બેંકમાં ડિપોઝિટ પણ ખૂબ જ દ્યટી ગઈ છે. ફાઈનાન્શિયલ માર્કેટમાં હાલ ભારે ચઢઉતર ચાલી રહી છે, ત્યારે આ ટ્રેન્ડના કારણે બજારમાં રોકડની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે. જોકે, એકસપર્ટ્સનું કહેવું છે કે આગામી દિવસોમાં રોકડ ઉપાડી લેવાનું પ્રમાણ ઘટશે.

(10:09 am IST)