Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાના કારણે વિશ્વનો આર્થિક મંદીમાં પ્રવેશ

આઈએમએફના વડાનો સનસનીખેજ ખુલાસોઃ ૨૦૦૯ કરતા પણ ખરાબ પરિસ્થિતિ સર્જાશેઃ અર્થતંત્ર થંભી જતા સ્થિતિ ગંભીરઃ વિશ્વના ૮૦ જેટલા દેશોએ આઈએમએફ પાસે મદદ માગીઃ સંકટને પહોંચી વળવા ૨.૫ ટ્રીલીયન ડોલરની જરૂર છેઃ જો કોરોના કાબુમાં આવે તો ૨૦૨૧માં રીકવરી સંભવ

વોશિંગ્ટન, તા. ૨૮ :. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ એટલે કે આઈએમએફના પ્રમુખ ક્રિસ્ટલીનાએ જણાવ્યુ છે કે કોરોના સંકટના કારણે વિશ્વભરનું અર્થતંત્ર આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયુ છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સંકટમાંથી બહાર નીકળવા માટે વિશ્વભરની વિકસીત અર્થવ્યવસ્થાઓએ મોટી રકમ અને મદદ કરવી પડશે.

તેમણે જણાવ્યુ છે કે સારી વાત એ છે કે વિશ્વભરના ટોચના નેતાઓએ સ્વીકાર્યુ છે કે આ સંકટને નિપટવા માટે સંયુકત પ્રયાસ કરવા પડશે. તેમણે કહ્યુ છે કે તે સ્પષ્ટ છે કે આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયા છે. વિશ્વભરનુ અર્થતંત્ર એકાએક થંભી ગયુ છે. ઉભરતા બજારોને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઓછામાં ઓછા ૨.૫ લાખ કરોડ ડોલરની મદદ કરવી પડશે.

તેમના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૮૦થી વધુ દેશ આ વૈશ્વિક સંસ્થા પાસે તાત્કાલીક મદદની માગણી કરી ચૂકયા છે. આ મંદીની અસર બે બાબત પર નિર્ભર કરશે. પ્રથમ એ છે કે કોરોનાનો માર કયાં સુધી અને કેટલો પડે છે ? બીજુ એ એક વિશ્વભરના ટોચના નેતાઓ તેને નીપટવા માટે કેવા સંયુકત પ્રયાસ કરે છે ?

આઈએમએફના વડાએ કહ્યુ હતુ કે જો કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાય તો મંદીમાં રીકવરીની સંભાવના છે. આપણે ૨૦૨૧માં રીકવરીની આશા રાખી શકીએ. જો વાયરસ પર કાબુ મેળવી લેવાય અને તરલતાની સમસ્યા ન થવા દઈએ તો આ રીકવરી શાનદાર હશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે હાલ જે સંકટ છે તે ૨૦૦૯ કરતા પણ ખરાબ છે.

તેમણે ઉમેર્યુ હતુ કે વિશ્વનુ અર્થતંત્ર થંભી જતા મોટી સમસ્યા નાદારી અને છટણીની લહેર છે. જે માત્ર વસુલાતને ઘટાડશે એટલુ જ નહિ આપણા સમાજના તાણાવાણાને નષ્ટ કરી શકે છે.

(10:11 am IST)