Gujarati News

Gujarati News

News of Wednesday, 28th March 2018

સોશ્યલ મિડીયા ઉપર પ્લીઝ ક્રેડિટ કાર્ડ - આધાર - પાસપોર્ટ સહિત કોઇપણ અંગત વિગતો આપતા નહિઃ ગૂગલ સ્ટ્રીટ પ્રસ્તાવ ફગાવાયો

નવી દિલ્હી તા. ૨૮ : સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના ડેટાની ચોરી થયા પછી ઓનલાઈન ડેટા ચોરી વિરુદ્ઘ ઈન્ટરનેટ યુઝર્સને સતર્ક કરતા ભારતીય સાયબર સુરક્ષા એજન્સીએ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાના વોટની પ્રાથમિકતાઓ અને આધાર કાર્ડની જાણકારી શેર ન કરવા માટે સલાહ આપી છે. હેકિંગ અને ફ્રોડથી બચવા માટે દેશની નોડલ એજન્સી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સીઈઆરટી-ઈન)એ એક એડવાઈઝરી જારી કરી છે.

આ એડવાઈઝરીમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સને આ સાઈટો કે મોબાઈલ એપ પર પોતાની અંગત જાણકારી શેર ન કરવા માટે કહ્યું છે. જેમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના વોટની પ્રાથમિકતાઓ, પિન નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ, બેન્ક, પાસપોર્ટ, આધાર કાર્ડની જાણકારીઓ અને તમામ અન્ય જાણકારીઓ કયારેય શેર ન કરવી જોઈએ જેમને અંગત સુરક્ષા માટે ગોપનીય રાખવામાં આવે છે.

ફેસબુક યુઝર્સના ડેટાની ચોરીના હાલના મામલાની પૃષ્ઠભૂમિમાં આ એડવાઈઝરી જારી કરાઈ છે. જેમાં જણાવાયું છે કે ફેસબુકે સ્વીકાર્યું છે કે ડેટાની સુરક્ષાનું ઉલ્લંઘન કરાયું છે. આ ઘટનાક્રમ બાદ યુઝર્સે પોતાની અંગત જાણકારીને સુરક્ષિત રાખવા માટે સાવધાની રાખવી જોઈએ. સાયબર સુરક્ષા અંગે નજર રાખતા સંગઠને કહ્યું હતું કે સોશિયલ મીડિયા યુઝર્સે અંગત માહિતી કે પોતાનું લોકેશન પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. ડેટા ચોરી થાય ત્યારે તરત સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ અને આ સાથે જ પોલીસની સાઈબર શાખામાં ફરિયાદ પણ નોંધાવવી જોઈએ. તેણે થર્ડ પાર્ટી એપને મંજૂરી આપતા સતર્ક રહેવા માટે પણ કહ્યું છે. તેમાં એવી એપ સામેલ છે જે નામ, પ્રોફાઈલ પિકચર, યુઝરનું નામ, યુઝર આઈડી, મિત્રોની યાદી, જેન્ડર, વય અને લોકેશન સુધી પહોંચી શકે છે. તમામ મોબાઈલ એપને અપડેટ રાખવી જોઈએ. નિષ્ક્રિય પડેલા એકાઉન્ટ બંધ કરી દેવા જોઈએ કેમકે તેનાથી યુઝર્સની જાણ વિના જ તેમાં છેડછાડ થઈ શકે છે.

ભારતના મોટા શહેરો, પર્યટન સ્થળો, પહાડો અને નદીઓ પર નજર રાખવાની ગૂગલની સ્ટ્રીટ વ્યૂ યોજના હવે પૂરી નહીં થાય. સુરક્ષાના કારણોસર ભારત સરકારે તે નકારી દીધી છે. યોજનાને નકારી દેવાઈ હોવાની જાણકારી ગૃહ મંત્રાલય દ્વારા ગૂગલને આપી દેવાઈ છે. ગૃહ મંત્રાલયે મંગળવારે લેખિત જવાબમાં લોકસભામાં પણ આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૂગલની સ્ટ્રીટ વ્યૂ યોજના અંગે સુરક્ષા એજન્સીઓ ચિંતિત હતી. જેમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે આ યોજના અંતર્ગત શેરીઓની તસવીરો ખેંચીને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવી એ દેશ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.(૨૧.૧૧)

(10:24 am IST)