Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગુજરાત સહિત ૮ રાજ્યોને કડક પગલાંનો કેન્દ્રનો આદેશ

કોરોનાનું સંક્રમણ વધતાં સરકારની ચિંતા વધી : ૮ રાજ્યના ચીફ સેક્રેટરી સાથે કેબિનેટ સચિવે બેઠક યોજી ગાઇડલાઇનના કડક પાલન પર જોર આપવા સુચના આપી

નવી દિલ્હી, તા. ૨૭ : દેશના કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલા ઉછાળાથી દેશભરમાં ચિંતાની લહેર ફરી વળી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી સાથે ઉચ્ચ સ્તરની બેઠક કરી હતી. આ રાજ્યોમાં વિતેલા દિવસો દરમિયાન સંક્રમણના કેસો વધી રહ્યા છે. બેઠક દરમિયાન કેબિનેટ સચિવે રાજ્યોને સાવચેતી અને જાગૃકતા વધારવાના નિર્દેશ આપ્યા હતા. આ રાજ્યોમાં સરકારે કોરોના ગાઇડલાઇનના કડક પાલન પર જોર આપતાં દૈનિક સ્તરે કોવિડ ટેસ્ટિંગ વધારવાના આદેશ કર્યા હતા. રસીકરણ અભિયાન વચ્ચે વિતેલા દિવસોમાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો હતો. જેના લીધે પ્રભાવિત રાજ્યો  અને પ્રદેશોમાં કડક પ્રતિબંધો ફરીથી લાગૂ કરવાની સ્થિતિ પેદા થઇ હતી.

સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ગંભીર પરિણામ લઇ ચૂકી છે. અહીં દૈનિક સ્તરે સૌથી વધુ ૮,૩૩૩ નવા કેસ સામે આવ્યા હતા અને કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અહીંના ૩૬માંથી ૨૮ જીલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, જ્યારે વિતેલા ૧૦ દિવસમાં ૨૧ જીલ્લાઓમાં સંક્રમણ વધ્યુ હોવાના સરકારી અહેવાલ છે. વિદર્ભ, અમરાવતી, અકોલા અને યવતમાલ કોરોના સંક્રમણના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવવાથી મહારાષ્ટ્ર ફરી એકવાર કોરોના સંક્રમણની ઝપેટમાં આવતું દેખાઇ રહ્યું છે.

બીજી તરફ કેરળમાં દૈનિક ૩૬૭૧ અને પંજાબમાં ૬૨૨ નવા કેસ સામે આવતા કેન્દ્ર સરકાર માટે ચિંતા વધી રહી છે. સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ વિતેલા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૧૬ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જેમાંથી ૮૫.૭૫ ટકા કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરુ થશે, એવામાં દેશમાં કોરોના સંક્રમણે ફરીવાર માથુ ઉંચકતા કેન્દ્ર સરકારે રાજ્યોને રસીકરણ ઝડપી બનાવવાના ઉપાયો અમલમાં લાવવાના આદેશ આપ્યા હતા.

(12:00 am IST)