Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મહારાષ્ટ્રના અમરાવતીમાં આઠ માર્ચ સુધી લોકડાઉન લંબાવાયું

કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો : મહારાષ્ટ્રમાં ત્રીજા દિવસે કોરોનાના ૮૦૦૦થી વધારે કેસ

મુંબઈ, તા. ૨૭ : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ૮ માર્ચ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. આ પહેલા જિલ્લામાં ૧લી માર્ચ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાના વધતા કેસોને કારણે લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય અકોલા, અકોટ અને મરજિતાપુરમાં પણ લોકડાઉન વધારવામાં આવ્યું છે.

જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓએ કહ્યું કે, ૫ અને ૬ માર્ચના સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે. તે બાદ ભવિષ્યમાં લોકડાઉન લાગૂ કરવા કે નહી કરવા પર નિર્ણય લેવામાં આવશે. કોરોના વાઈરસની બીજી લહેર દેશભરમાં ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૮ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. એ સિવાય મુંબઈમાં પણ ૧ હજારથી વધારે નવા કેસ મળ્યા છે.

મહારાષ્ટ્રમાં હાલ દેશભરમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. આ મામલે કેરળ બીજા નંબરે છે. કોરોનાના વધતા કેસોને લીધે નાગપુર, અમરાવતી જેવા વિસ્તારોમાં પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં ખાસ કરીને કોરોના સંકટ વધ્યું છે.

(12:00 am IST)